છેલ્લા ઘણા સમયથી હ્‌દય રોગથી પિડાતા દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાર્ટ હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં હાલમાં દરરોજ સરેરાશ ૯૨૫ દર્દી સારવાર  કરાવવા માટે આવે છે. તે સિવાય દૈનિક સરેરાશ ૧૨૮ દર્દીને દાખલ કરવા પડે છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલની હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે અત્યારસુધી આઉટડોરમાં ૧.૩૨ લાખ, ઈન્ડોરમાં ૧૮૨૩૯ જેટલા દર્દી નોંધાયા છે. જેમાં ૧૭૪ દર્દીમાં બલૂન, ૫૩૯માં ડિવાઇસ, ૫૦૧માં પેસમેકર, ૨૮૪૨માં સ્ટેન્ટ વિના પ્લાસ્ટી જેવી હૃદયની સારવાર કરાઇ છે. કુલ ૯૮૨૧૪ ઈસીજી કરવામાં આવ્યા છે. કુલ ૭૭૭૦૨ દર્દીમાં ઈકો કરાયું છે.

આ પૈકી ૧૨૯૪૪ બાળ દર્દીઓનો પણ સમાવેશ થાય છે. સિવિલની હાર્ટ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી ૩ લાખથી વધુ દર્દી ઓપીડીમાં નોંધાય છે. જેમાં ૨૦૨૩માં ૩.૩૫ લાખ, ૨૦૨૪માં ૩.૬૩ લાખ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સિવાય ૨૦૨૩માં ૪૭૨૩૦, ૨૦૨૪માં ૫૦,૦૭૭ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલની હાર્ટ હોસ્પિટલ ઉપરાંત ખાનગીમાં પણ હવે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે. જેમાં ૪૦થી ઓછી વયના યુવા દર્દીઓનું પ્રમાણ હવે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.