અમદાવાદમાં ભદ્રકાળીનું ઐતિહાસિક મંદિર હોવા છતાં પણ દબાણવાળાઓના લીધે તેના દર્શન કરવા દુર્લભ થઈ પડ્યા છે. સામાન્ય લોકો તો આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરે જ છે, પરંતુ હવે વીઆઈપી મનાતા રાજકારણીઓએ પણ આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે પણ કોર્પોરેશનના અધિકારીઓને ટકોર કરવી પડી છે કે ભદ્રકાળીના ઐતિહાસિક મંદિરમાં દર્શનાર્થે જવું હોય તો પણ જગ્યા નથી. શ્રદ્ધાળુઓએ રીતસરનો તેના માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ભદ્રમંદિરમાં જવા માટે દર્શનાર્થીઓને ઘણી તકલીફ પડે છે. આ બતાવે છે કે સત્તાધીશને જયારે અનુભવ થાય ત્યારે જ દબાણની ખબર પડે છે.
અમદાવાદના ભદ્ર મંદિરની આસપાસ દબાણોનો રાફડો છે તેની શહેર ભાજપ પ્રમુખને આજે ખબર પડી. આ તો વર્ષો જૂની સમસ્યા છે, પરંતુ અમદાવાદ શહેરના સત્તાધીશો હજી સુધી તેનો ઉકેલ લાવી શક્યા નથી તે હકીકત છે. નવું કરવાની સાથે-સાથે જૂની સમસ્યાઓનો ઉકેલ લાવવો પણ તેટલો જ જરૂરી છે. અમદાવાદ શહેરના સત્તાધીશો પશ્ચિમ વિસ્તાર જ નહીં શહેર ચોમેર વિસ્તરેલું છે તેનું ધ્યાન રાખે તે જરૂરી છે.
ભદ્રમંદિરની આસપાસ દબાણની સમસ્ય આજકાલની તો છે નહી. પણ નવરાત્રી સમયે સત્તાધીશને તકલીફ પડી ત્યારે સમસ્યા યાદ આવી. સમસ્યા તો વર્ષોથી છે, પરંતુ સત્તાધીશને તકલીફ પડી કે ક્યાં તેની નજર પડે ત્યારે આ વાત બહાર આવી છે.
હવે જોવાનું એ છે કે શહેર ભાજપ પ્રમુખની ટકોર પછી અમદાવાદ મ્યુનિ.ના સત્તાધીશો જાગે છે કે કેમ. કદાચ આ ટકોર બાદ કામચલાઉ ધોરણે પાથરણાવાળા સામે કાર્યવાહી થાય, પરંતુ તેમને કોઈ વિકલ્પ આપવામાં આવ્યો ન હોવાથી તે થોડા સમયમાં ફરી પાછા તે જ જગ્યાએ આવી જાય છે. વર્તમાન પીએમ જ્યારે સીએમ હતા ત્યારે આખા સ્થળનો વાસ્તવમાં ભદ્રકાળી કોરિડોર બનાવાયો હતો તે પણ કદાચ સત્તાધીશોને યાદ નહીં હોય.