રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કાળઝાળ ગરમીએ પ્રકોપ વરસાવ્યો છે, પરતું રાજય માટે ખુશખબર છે કે ચોમાસું ગુજરાતમાં વહેલું આવશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૫મી મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જ્યારે રાજ્યભરમાં આગામી ૪-૫ દિવસ સુધી હજુ ગરમીમાં રાહત મળશે અને તાપમાનનો પારો ૨-૩ ડિગ્રી સુધી ઘટવાની ધારણા છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તથા ડાંગ જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં આ દરમિયાન તાપમાનનો પારો ૪૧ ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહે તેવું અનુમાન છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. કેરળમાં ૨૬ મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ૧૦થી ૧૫ જૂન વચ્ચે અને ૧૫થી ૨૦ જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.