દક્ષિણ ગુજરાતમાં મેઘમંડાણ થયા છે. એમ કહો કે, દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘ વરસી રહ્યાં છે. ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે, તો પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ થઈ છે. કોતરોમાં ફરી વહેણા વહેતા થયા છે. તો વલસાડમાં બીજો દિવસે વરસાદી માહોલ છે. સુરતના ઓલપાડ તાલુકામાં મેઘ મહેર થયુ છે, કીમમાં વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાછે.
ડાંગ તાલુકાના પૂર્વીય વિસ્તારમાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી છે. વણઝારઘોડી ગામ પાસે પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા લોકોમાં અચાનક આશ્ચર્ય ફેલાયું હતું. અચાનક ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે નદીના કેચમેન્ટ વિસ્તારમાં ચાલતા કોઝવે અને પુલની કામગીરી ખોરંભે ચડી હતી. પૂર્ણા નદી સહિત કોતરોમાં વરસાદના નવા નીર વહેતા જોવા મળ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે સુબિર તાલુકાના પાદલખડી ગામના પશુપાલક શિવદાશભાઈ ભોયેના પશુધન ઉપર આકાશી વીજળી પડવાથી, તેમના એક પાડાનુ મૃત્યુ નોંધાયુ છે. જ્યારે એક પાડો સારવાર હેઠળ રાખવામા આવ્યો છે.
સુરતના ઓલપાડ તાલુકામાં મેઘ મહેર થતા કિમમાં વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. પહેલા વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી છે. રોડની સાથે સાથે રેલવે સ્ટેશન પર પાણી ભરાયા છે. ઘણા વિસ્તારોમાં વીજળી ગૂલ થતાં લોકો પરેસાન થયા છે. તો પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને ઘોઘંબા પંથકમાં રાત્રિ દરમિયાન મેઘરાજોનું ધમાકેદાર આગમન થયુ છે. જાંબુઘોડા તાલુકામાં ૮ મીમી અને ઘોઘંબા તાલુકામાં ૭ મીમી વરસાદ નોંધાયો છે. શનિવારે દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમીના વાતાવરણ બાદ મોડી રાત્રે જોરદાર પવન ફૂંકાયો હતો.