કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ તે દક્ષિણ આફ્રિકાથી લઈને ૨૫ દેશોમાં પહોંચી ગયો છે. સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં ચાલી રહી છે. ઓમિક્રોન કેસ અહીં એક જ દિવસમાં બમણા થઈ ગયા છે. સ્થિતિ કેટલી ચિંતાજનક છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દક્ષિણ આફ્રિકામાં લેવલ વનનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. બજારો બંધ છે, રસ્તાઓ નિર્જન છે અને લોકો ફરીથી તેમના ઘરની દિવાલોમાં કેદ જાવા મળે છે.
દક્ષિણ આફ્રિકામાં કુલ પાંચ પ્રકારના લોકડાઉન લાદવામાં આવી શકે છે. આમાં સૌથી સખત લોકડાઉન પાંચમી શ્રેણીનું માનવામાં આવે છે. હાલ લોકડાઉનની પ્રથમ શ્રેણીથી જ લોકો પરેશાન થઈ રહ્યા છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે તેમનો ધંધો સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. નુકસાન એટલા માટે પણ થઈ રહ્યું છે કારણ કે ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકા પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી દીધો છે. આ યાદીમાં અમેરિકા, કેનેડા, બ્રાઝિલ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર જેવા ઘણા દેશો સામેલ છે.
ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં ૨૪ નવેમ્બરે નોંધાયો હતો. તે સમયે ત્યાંના આરોગ્ય મંત્રાલયે જાણકારી આપી હતી કે તેમના દેશમાં કોરોનાનો એક નવો વેરિઅન્ટ જાવા મળ્યો છે, જે ૩૦થી વધુ વખત મ્યુટેટ થયું છે. એવી આશંકા છે કે આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે. દેશમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં પણ ૧૧ હજારથી વધુ કેસ નોંધાયા છે. હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને આરોગ્ય સેવાઓ ભાંગી પડી છે.
આ દરમ્યાન ઓમિક્રોન વેરિઅન્ટ વિશે વિશ્વને જણાવનારા દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ રાહત આપવાવાળો દાવો કર્યો છે. આ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટમાં પ્રાથમિક સ્તરે ડેલ્ટા વેરિઅન્ટથી હળવા લક્ષણો જાવા મળ્યા છે. સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના વડા ડા. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું હતું કે નવા વેરિઅન્ટમાં દર્દીઓમાં થાક, શરીરમાં દુખાવો જેવા લક્ષણો જાવા મળી રહ્યા છે.