દક્ષિણ આફ્રિકાએ રવિવારે પાંચ મેચની ટી ૨૦ શ્રેણીની બીજી મેચમાં ભારતને ૪ વિકેટે હરાવ્યું. કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૪૮ રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્યાંક ૧૮.૨ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં ૨-૦ની સરસાઈ મેળવી લીધી છે. હેનરિક ક્લાસને તેની કારકિર્દીની ચોથી અને બીજી અડધી સદી ભારત વિરૂદ્ધ મુલાકાતી ટીમ માટે ફટકારી હતી. તેણે ૪૬ બોલમાં ૭ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૮૧ રનની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. તેના સિવાય કેપ્ટન ટેમ્બા બાવુમાએ ૩૫ અને ડેવિડ મિલરે અણનમ ૨૦ રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ૪ વિકેટ ઝડપી હતી.
આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૪૮ રન બનાવ્યા હતા. યજમાન ટીમ તરફથી ઈશાન કિશને ૩૪, સુકાની રિષભ પંતે ૫, શ્રેયસ અય્યરે ૪૦ રન બનાવ્યા હતા.
જયારે દિનેશ કાર્તિકે છેલ્લી ઓવરમાં બે સિક્સર ફટકારીને ટીમનો સ્કોર ૧૪૦ની પાર પહોંચાડ્યો હતો. કાર્તિક ૨૧ બોલમાં ૩૦ રન બનાવીને અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી એનરિક નોરખિયાએ બે જ્યારે કેગીસો રબાડા, વેઈન પાર્નેલ, ડ્‌વેન પ્રિટોરિયસ અને કેશવ મહારાજે એક-એક વિકેટ લીધી હતી.