(૧) હું બહુ ઊંચાઈ ધરાવું છું. મારે કેવું કામ પસંદ કરવું જોઈએ?
દર્શન પટેલ (વડોદરા)
તમે સોસાયટીમાં માળિયામાંથી વ્યાજબી ભાવે સમાન ઉતારી અને ચડાવી દેવાનું કામ શરૂ કરો. નવરા નહી રહો. બાજુની સોસાયટીવાળા પણ બોલાવશે.
(૨) થ્રી ઇન વન એટલે શું?
રામભાઈ પટેલ (સુરત)
બગાસું, ઉધરસ અને છીંક એકસાથે આવે એ.
(૩) ’બાર બાર દેખો હજાર બાર દેખો’ આ ગીતમાં શું જોવાની વાત છે?
જય દવે (ભાવનગર)
આઇપીએલ મેચોમાં રિવ્યૂ માગવામાં આવે ત્યારે થર્ડ અમ્પાયરને અપાયેલી આ સલાહ છે.
(૪) સાહેબ..! કોડી અને કોડામાં શું ફરક?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
કોડીથી બાળકો રમે. કોડો આખા ગામને રમાડે.
(૫) સજોડે ફરવા જવા માટે શ્રીમતીજી તૈયાર થાય છે. ગાડી બહાર કાઢું કે એક ઊંઘ ખેંચી લઉં ?
કનુભાઈ પરમાર (દામનગર)
અમારે આ બાજુ કોઈ સજોડે ફરવા ન જાય. એટલે તમારે એ બાજુ રિવાજ હોય એમ કરો.
(૬) આડોશી, પાડોશી અને ડોશીમાં શું ફરક?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
આડોશીપાડોશી તરીકે કોઈ ડોશીમા રહેતા હોય એને જ પૂછી લેજોને!
(૭) અમારે તમને સવાલ પૂછવાનો હોય પણ ક્યારેક ક્યારેક તમે પણ સવાલ પૂછો છો એનું કારણ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ક્યારે પૂછ્યો?!
(૮) કોરોના આવે છે તો વેક્સીન લેવાય?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
ડોક્ટર કહે તો લેવાય બાકી તમે તો એવી વાત કરી કે ચોમાસુ આવે છે તો છત્રી લેવાય?
(૯) એકમ કસોટી બંધ થઈ એના વિશે આપ શું માનો છો?
મુકેશભાઈ સોજીત્રા (ઢસા)
તમે માનો છો એ જ.
(૧૦) એક કિલો રૂ વજનદાર હોય કે એક કિલો લોખંડ ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ)
એક કિલો માટે મારે વજનકાંટો કેમ ફેરવવો?!
(૧૧) તમે પાકિસ્તાન ક્યારે જાઓ છો?
હરિભાઈ ધોરાજિયા (લીલિયા મોટા)
પાકિસ્તાન અંધારામાં જીવવા ટેવાઈ ગયું છે. એને ’પ્રકાશ’ નહી ફાવે!
(૧૨) તમને નથી લાગતું કે દુનિયા ખોટા રસ્તે જઈ રહી છે?
રમાબેન પટેલ (અમદાવાદ)
તો તમારે સાચું સરનામું આપવું જોઈએને!
(૧૩) પાપ નથી કર્યા તો તે ધોવા તીર્થ કરવાની જરૂર ખરી?
સરદારખાન મલેક (મહેસાણા)
ભૂખ ન લાગી હોય તો પણ ખેતરમાં અનાજ તો વાવવું જ પડે. આજ સુધી કોઈ સાથે મોટરસાઇકલ ભટકાડી ન હોય તો પણ ડ્રાઇવિંગ લાઇસન્સ તો કઢાવવું જ પડે.
(૧૪) મન ખાટું થઈ ગયું એટલે?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
બટેટાનું કીધું હતું અને ગલકાનું શાક બનાવ્યું એનું પરિણામ.
(૧૫) સ્ત્રીને ઘરની લક્ષ્મી કહેવાય છે તો પુરુષને?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
એ લક્ષ્મીએ નક્કી કરવાનું છે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..











































