અમરેલી જિલ્લાનાં થોરડી ગામમાં આઝાદી બાદ પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થતાં લોકો અચંબિત થયા હતા. સાવરકુંડલા તાલુકામાં પંચાયત રાજ આવ્યા બાદ ક્યારેય બિનહરીફ ચૂંટણી થઈ ન હતી. ચૂંટણીનાં કારણે હંમેશા જ્ઞાતિવાદ અને કુટુંબવાદથી ગામ વિખવાદગ્રસ્ત રહ્યું હતું. જેનાં કારણે ગામનો વિકાસ રૂંધાયો હતો. ત્યારે ગામનાં કેટલાક આગેવાનોએ આ બાબતે એક નવી શરૂઆત કરીને ઈતિહાસ રચ્યો છે. જેમાં ગામમાં ચૂંટણી થતી અટકાવવા ગામનાં વડિલ પ્રાગજીભાઈ કસવાળાને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા છે.
જેના કારણે સરકારી મશીનરી અને લોકોના સમયનો દુર્વ્યય થતો અટક્યો છે અને ગામની એકતા અને સંગઠન મજબૂત બન્યાં છે. થોરડીમાં બિનહરીફ થયેલ ચૂંટણીમાં ગામના વતની અને હાલ સુરત સ્થાયી થયેલા ડો.પ્રકાશભાઈનો મહત્વનો ફાળો છે.