થાઈલેન્ડની એક કોર્ટે દેશના વડાપ્રધાન શ્રીથા થવિસિનને બરતરફ કર્યા છે. કોર્ટે વડાપ્રધાનને નૈતિક ઉલ્લંઘન માટે દોષિત ઠેરવ્યા છે. થાઈલેન્ડની બંધારણીય અદાલતે વડા પ્રધાન શ્રીથા થવિસિનને નૈતિક ઉલ્લંઘન માટે દોષી ઠેરવ્યા બાદ તેમને પદ પરથી બરતરફ કર્યા છે. આ થાઇલેન્ડમાં રાજકીય ઉથલપાથલનો સમયગાળો શરૂ કરી શકે છે.
નવ સભ્યોની અદાલતે બુધવારે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે શ્રીથાએ એપ્રિલમાં કેબિનેટ મંત્રી તરીકે દોષિત વકીલની પસંદગી કરીને નૈતિક ધોરણોનો ‘ગંભીર ભંગ’ કર્યો હતો, જે બંધારણ હેઠળ ગેરલાયક ઠેરવવાનું કારણ છે. ન્યાયાધીશોએ શ્રીથા અને તેમની કેબિનેટને બરતરફ કરવા માટે ૫ થી ૪ મત આપ્યા હતા. રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ શ્રીથા છેલ્લા ૧૬ વર્ષમાં ચોથા થાઈ વડા પ્રધાન છે જેમને કોર્ટના નિર્ણયથી હાંકી કાઢવામાં આવ્યા છે. થાઈલેન્ડના વર્તમાન નાયબ વડા પ્રધાન ફુમથમ વેચાચાઈ કાર્યકારી વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળે તેવી અપેક્ષા છે.
શ્રીથાએ શિનાવાત્રાના ભૂતપૂર્વ વકીલ પિચિત ચુએનબનની કેબિનેટ નિમણૂક જાળવી રાખી હતી, જેઓ કોર્ટના કર્મચારીઓને લાંચ આપવાના કેસમાં ૨૦૦૮ માં કોર્ટની અવમાનના બદલ જેલમાં હતા. જાકે તેમની સામે લાંચનો આરોપ સાબિત થયો ન હતો. શ્રીતા પર પિચિત ચુએનબનને કેબિનેટ પદ પર નિયુક્ત કરીને બંધારણનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. બંધારણીય અદાલતે આ આરોપને સાચા તરીકે સ્વીકાર્યો.