શહેરમાં કારનો કાચ તોડીને કિંમતી વસ્તુઓની ચોરી કરતી ગેંગે પોલીસની ઊંઘ હરામ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી ગેંગ જાણે કે એક પછી એક ગુનાને અંજામ આપીને જાણે કે પોલીસને પડકાર ફેંકી રહી છે. ત્યારે શહેરમાં કારનો કાચ તોડીને ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર આવેલ નારાયણ કોમ્પલેક્ષ નજીક કારનો કાચ તોડીને રૂપિયા ૨૦ લાખની બેગની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે.
નારાયણ કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા અને જમીન દલાલનું કામ કરતા કમલેશ ભાઈ દવેને રૂપિયાની જરૂર હોવાથી તેમના મિત્ર પાસેથી રૂપિયા ૨૦ લાખ આંગડિયા પેઢી મારફતે મંગાવ્યા હતા. જેમાં શુકન મોલ ખાતે આવેલ આર.કે આંગડિયા પેઢીમાંથી રૂપિયા ૨ લાખ અને જલારામ પરોઠા હાઉસની ગલીમાં આવેલ પી એમ આંગડિયા પેઢીમાંથી રૂપિયા ૧૮ લાખ લીધા હતા.
જે રૂપિયા લઈને તેઓ તેમની ઓફિસ આવ્યા હતા. અને રૂપિયા ભરેલ બેગ ગાડીમાં રાખીને તેઓ ઓફિસ નીચે આવેલ નાસ્તાની દુકાનમાં નાસ્તો કરવા માટે ગયા હતા. આ દરમિયાન એક બાઈક પર આવેલા બે ગઠીયાઓએ કારનો કાચ તોડીને તેમાંથી રૂપિયા ભરેલ બેગની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા.
જા કે એક મહિલા ની નજર ઘટનાં પર પડતાં જ તેઓએ ફરિયાદીને આ બાબતની જાણ કરી હતી. જા કે આ બાબતની જાણ પોલીસને કરતા જ પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે ફરિયાદીની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે. જા કે આરોપીઓને પકડવામાં પોલીસ કેટલા સમયમાં સફળતા મળે છે તે જાવું રહ્યું.