ક્રાઇમ બ્રાંચે થલતેજ ન્યુયોર્ક ટાવર પાસે અને ત્રાગડ પાસે સાગા ફ્લેટમાં રહેતા બે શખ્સોને રૃ. ૮.૩૮ લાખના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં ફરાર પંકજ પટેલ નામનો શખ્સ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ડ્રગ્સ લાવી આરોપીઓને આપતો હતો પકડાયેલા શખ્સો સિન્ધુભવન રોડ ઉપર તથા સોલા વૈષ્ણોદેવી, ગોતા અને ત્રાગડ સહિતના વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા, ચાની કિટલીવાળાઓને ડ્રગ્સ સપ્લાય કરતા હતા.
ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર, ડી.બી.બારડના જણાવ્યા મુજબ ચોક્સ બાતમી આધારે એસ.જી હાઇવે થલતેજ ન્યુ યોર્ક ટાવર પાછળ આરોહી એપાર્ટમેન્ટમાં રહેતા અને કોલ સેન્ટરમાં નોકરી કરતા રવિ મુકેશકુમાર શર્માને તેના મકાનમાંથી કુલ ૨૩.૮૬ ગ્રામ રૃ. ૨,૩૮,૬૦૦ કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસ તપાસમાં તે ત્રાગડ રોડ ઉપર આવેલા સગા ફ્લેટમાં રહેતા અને હોલસેલમાં દવા વેચવાનો વ્યવસાય કરતા તથા ગાંધીનગર જિલ્લાના માણસામાં મેડિકલની દુકાન ધરાવતા આસીતકુમાર રમેશકુમાર પટેલના ઘરે દરોડો પાડીને તેની પાસેથી કુલ ૫૦ ગ્રામ રૃ. ૫,૦૦,૦૦૦ની કિમતનુ એમ.ડી.ડ્રગ્સ કબજે કર્યુ હતું.
પોલીસ તપાસમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો પંકજ પટેલ ડ્રગ્સ રૃ. ૮૦૦માં રવિ શર્માને આપતો હતો અને રવિ શર્મા ૧૦૦૦માં આસિત પટેલને આપતો હતો, પોલીસે ફરાર પંકજ પટેલની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પંકજ પટેલ પકડાયા બાદ તે કઇ ફાર્માસ્યુટીકલ કંરપનીમાંથી ડ્રગ્સ લાવતો હતો તે વિગતો બહાર આવશે.પોલીસે પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતાં આરોપીઓ દરિયાપુર અને જુહાપુરામાં રહેતા ચાર શખ્સોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા. પોલીસે દરોડો પાડતાં ચારેય શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એટલું જ નહી આરોપીઓ ડ્રગ્સની પડીકીઓ બનાવીને એક પડીકી રૃ. ૧૫૦૦માં સિન્ધુભવન રોડ તથા એસજીહાવઇવે ઉપર થલતેજ અને ગોતા, ત્રાગડ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લે અને ચાની કિટલીઓ ઉપર વેચતા હોવાની કબૂલાત કરી છે.’