અમરેલીમાં ત્રાસ અને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં રાજકોટ જેલમાં રાખવામાં આવેલા અમરેલીના ૮૦ વર્ષીય
વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અમરેલીના વૃદ્ધા કસ્તુરીબેન મનુભાઇ પરમારને જેલમાંથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કસ્તુરીબેન અને તેમના નાના પુત્ર વિરૂધ્ધ ર૦ વર્ષ પહેલા એટલે કે વર્ષ ર૦૦૧માં ૪૯૮, ૩૦૬ મુજબનો ગુનો નોંધાયો હતો. લગભગ દોઢ વર્ષથી માતા-પુત્ર જેલમાં હોવાનું જાણવા મળ્યું હતું. વૃદ્ધાની બે પુત્રવધૂ કે જે બંને સગી બહેનો હતી તે બંનેએ આત્મહત્યા કરી હતી. ત્યારે માતા અને નાના પુત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જેલવાસ દરમિયાન ગત સાંજે કસ્તુરીબેનની તબીયત બગડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રદ્યુમન નગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.