શહેરમાં પોલીસ પેટ્રોલિંગના દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે અસામાજિક તત્વો કાયદા વ્યવસ્થાની ખુલ્લેઆમ ધજિયાં ઉડાડી રહ્યા છે. આવો જ એક કિસ્સો હાલ ફરી એકવાર પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં આવિર્ભાવ સોસાયટીમાં આવેલી ઉડિયા શાળાની સામે જ ત્રણ જેટલા મિત્રોએ એક મિત્ર પર ચાકુ વડે હુમલો કરી ઉપરાછાપરી ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી ભાગી છૂટ્યા છે. ત્યારે આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું છે.વિગતવાર વાત કરીએ તો, મૂળ મહારાષ્ટ્રનો વતની અને હાલ સુરત શહેરના પાંડેસરા નાગસેનનગરમાં રહેતો ૩૨ વર્ષિય સુભાષ નરેશભાઈ લાંગડે ડેઇલી વેજીસ પર છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. જે ગત રાત્રે ૧૦.૩૦થી ૧૧ વાગ્યાના અરસામાં પાંડેસરા અવિર્ભાવ સોસાયટી ખાતે આવેલી ઉડિયા શાળાની સામે ઊભો હતો. ત્યારે તેના ત્રણ મિત્રો ત્યાં આવ્યા હતા અને બાદમાં આ તમામ મિત્રો વચ્ચે કોઈ વાતને લઈ બોલાચાલી થઈ હતી.આગળ જતાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં પરિવર્તિત થઈ હતી. ત્યારે ત્રણ મિત્રોએ સુભાષ સાથે ઉગ્ર ઝઘડો કરી અચાનક ચાકુ કાઢી તેના ઉપર તૂટી પડ્યા હતા અને ઉપરાછાપરી ઘા ઝીંકવા લાગ્યા હતા. જેથી સુભાષના પેટના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ચાકુના ઘા વાગતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જે બાદ સુભાષ લોહીલુહાણ હાલતમાં રોડ પર ઢળી પડ્યો હતો અને આ ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘાને પગલે સુભાષે ત્યાં ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ત્યારે આ બનાવની ખબર પડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને બનાવ બાદ ટૂંક સમયમાં સુભાષના સગા, પરિચિતો પણ ત્યાં દોડી આવ્યા હતા. બાદમાં સમગ્ર બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલા સિવાય ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટ્લલ મોકલી સમગ્ર મામલે ઉચ્ચ તપાસ હાથ ધરી હતી.નોંધનીય છે કે, બનાવ સમયે ભોગ બનનાર સુભાષ જીવ બચાવવા ગલીમાં દોડ્યો હતો, પણ મિત્રોએ પેટમાં ચાકુ મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા હતા, જેથી સુભાષે રોડ પર જ દમ તોડ્યો હતો. આ અંગે મૃતક સુભાષ લાંગડેના સંબંધી રાજુભાઈએ જણાવ્યું હતું કે, સુભાષને મારનારા બીજા કોઈ નહીં પરંતુ તેના મિત્રો જ હતા. તેઓ સાથે ઊઠતા-બેસતા હતા. તેમની વચ્ચે કોઈ જૂની અદાવત હતી. અદાવતમાં રાત્રે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.દરમિયાન સુભાષ અવિર્ભાવ સોસાયટીમાં આવેલી ઉડિયા સ્કૂલ સામે હાજર હતો, ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને તેના મિત્રોએ જ તેને ચાકુના ઘા માર્યા હતા. જેથી સુભાષ પોતાનો જીવ બચાવવા ખાતર ગલીમાં ભાગીને આવ્યો હતો, છતાં આરોપીઓ તેનો પીછો કરીને ગલીમાં પહોંચી ગયા હતા. ત્યાં પણ તેના પેટના ભાગે ચાકુનો ઘા મારી દીધો હતો, જે ઘા એટલો ઊંડો હતો કે, તેના પેટમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃતક સુભાષ લાંગડે મજૂરી કામ કરતો હતો. તેની હત્યા કરનારા તેના મિત્રો જ હતા, જેનું કારણ અગાઉની અદાવત હતી. મૃતક સુભાષ અને આરોપી મિત્રો વચ્ચે રાત્રે ઝઘડો થયો હતો અને ઝઘડામાં તેની ચાકુના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી છે. તેવી હાલ પ્રાથમિક તપાસમાં માહિતી સામે આવી છે, ત્યારે હાલમાં હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.








































