૧૫ મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૭૪મી પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી વંદન કરું છું. સરદાર એટલે સરદાર તેમને ગમે તેટલા વિશેષણો આપીએ પરંતુ તેમની દેશ સેવાનો જોટો જડવો અઘરો છે. રાષ્ટ્રસેવા, પ્રમાણિકતા અને પુરુષાર્થ થકી દેશ માટે ૪૨ વર્ષ સુધી સતત કાર્યશીલ રહ્યા તે જ તેમની મોટી પ્રતિમા છે. સરદાર પટેલ ન ભુતો ન ભવિષ્યતિ છે. તેમના કાર્યો સદીઓ સુધી અમર અને અજર છે. આમનાર પેઢી એક સમયે એવું કહેશે કે સરદાર પટેલે દેશ માટે આટલું બધું કરીને ગયા તે નિર્વિવાદ છે. તેમની પુણ્યતિથિએ કોટી કોટી વંદન કરું છું. આજના દિવસે તેમના કાર્યો ઉપર પ્રકાશ પાડવા તેમજ મારા આઈડિયોલોજી અને જેમના ઉપર મેં પીએચ.ડી કર્યું છે એવા સરદાર સાહેબને નતમસ્તકે વંદન કરું છું. તેમના વિશે ઘણું બધું સાહિત્ય અને આધારભૂત સ્ત્રોતો લખાયા છે. દીકરી મણીબેને જે ડાયરીઓ લખી છે તે વાચક વર્ગએ વાંચવા જેવી છે.
સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એક દિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની ફાળવણીની વાતો સાંભળી રહ્યા હતા. ગાંધીજીએ સરદારને પુછ્યુ, “વલ્લભભાઇ, આ સ્વતંત્ર ભારતની સરકારમાં તમને ક્યુ ખાતુ આપીશુ ?” ગાંધીજી સહિત બધાને સરદારનો જવાબ સાંભળવાની ઇચ્છા હતી બધા સાવધાન થઇ ગયા અને સરદારે ખુબ સહજતાથી કહ્યુ, “ બાપુ સ્વરાજમાં હું તો ચીપિયો અને તૂમડી લઇશ.” ( મલતબ કે સંન્યાસી બનીશ) સરદાર સાહેબની આ વાત સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા.
સરદારે મજાકમાં કહેલી આ વાતને એમણે સ્વરાજ મળ્યા પછી સાચી સાબિત કરીને બતાવી. સમગ્ર દેશ જેને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હોય, ૧૫ પ્રાંતિક સભાઓમાંથી ૧૨ પ્રાંતિક સભાઓ પણ સરદારના શીરે જ રાજમુકુટ મુકવાની દરખાસ્ત રજૂ કરતી હોય એવા સમયે હસતા હસતા વડાપ્રધાન પદ કોઇ બીજાને આપી દે એના જેવો મોટો વૈરાગી બીજે ક્યાં જોવા મળે ? આ કોઇ ગામના સરપંચનું પદ જતુ કરવાની વાત નહોતી. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાનનું પદ જતુ કરવાનું હતું અને સરદાર પટેલે બહુ સહજતાથી ગાંધીજીના એક ઇશારે આ પદ જતુ કરી દીધું. ગાંધીજી દ્વારા અન્યાય થયેલો છે તે દરેકે સ્વીકારવું જ રહ્યું.
સરદાર સાહેબના અવસાન પછી એમના અંગત નામે માત્ર ૨૩૮ રૂપિયાનું બેંક બેલેન્સ હતું. આનાથી મોટો બીજો ક્યો સંન્યાસી હોય ? ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન પદ પર ૩ વર્ષથી વધુ સમય સુધી કામ કર્યા પછી પણ એની મિલ્કત માત્ર આટલી જ હોય એની કોઇ કલ્પના પણ કરી શકે ખરા ? આજના રાજનેતાઓ ૧૦ પેઢી સુધી ચાલે તેટલા રૂપિયા અને માલમિલકત નિર્માણ કરી દે છે તેમને સરદાર પટેલ જોડે ઊભા રહેવાનો અથવા તો ફોટો પડાવવાનો પણ અધિકાર નથી.
સરદાર પટેલ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ કોંગ્રેસ પક્ષના ખજાનચી હતા. પક્ષની તમામ નાણાકીય વ્યવસ્થા સરદાર સાહેબ સંભાળતા હતા. પિતાજીના અવસાન બાદ જ્યારે દીકરી મણીબેને પક્ષના હિસાબની બધી જ વિગતો પક્ષના નેતાઓને આપી ત્યારે કેટલાકના મોઢા પહોળા થઇ ગયા હતા. ૪૦ થી ૪૫ લાખ રૂપિયા રોકડા હતા. એટલુ મોટુ ફંડ સરદારે પોતાના સંબંધોના આધારે ભેગુ કરેલુ હતું. પરંતુ ક્યારેય એક રાતી પાઇ પણ એમણે પોતાના માટે ન વાપરી. પહેરવાના ચશ્મા પણ ૩૦-૩૦ વર્ષથી એકના એક ચલાવે. વાંચવાના ચશ્માની દાંડી તૂટી જાય તો દોરી બાંધીને ખેંચ્યે રાખે પણ નવા ચશ્મા લેવાનું નામ નહી. એકવાર ત્યાગીજીએ પૂછ્યું આવી કંજુસાઇ કેમ કરો છો ? એવુ કહ્યું ત્યારે સરદાર પટેલે કહ્યુ હતું કે આ કંજુસાઇ નહી કરકસર છે. હું કે મણીબેન ક્યાંય કમાવા માટે જતા નથી આ તો બધા પ્રજાના પૈસા છે એટલે બને એટલા ઓછા વાપરવા જોઇએ. એક વખત પત્રકાર ત્યાગીએ પૂછ્યું કે તમે ગૃહ પ્રધાનની દીકરી છો અને ફાટેલા ધોતિયાને થીગડું મારતા શરમ નથી આવતી ત્યારે સરદાર પટેલ બોલ્યા કે તેનો બાપ કમાતો નથી દેશ સેવા કરે છે.
બહુ ઓછા લોકોને ખબર હશે કે કામચલાઉ સરકારમાં સરદાર પટેલને જ્યારે ગૃહખાતુ સોંપવામાં આવ્યુ ત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે સરદારને રહેવું ક્યા ? કારણ કે દિલ્હીમાં સરદારનો પોતાનો કોઇ બંગલો તો ઠીક એક નાનુ સરખુ મકાન પણ નહોતું. અરે દિલ્હીની ક્યાં વાત કરો છો આખા દેશમાં ક્યાંય કોઇ સ્થાવર મિલ્કત વલ્લભભાઇ પટેલના નામે નહોતી. પિતાજીની મિલ્કતમાંથી પણ એમણે ભાગ જતો કર્યો હતો. દિલ્હીના ઉદ્યોગપતિ બનવારીલાલ શેઠે સરદાર સાહેબને રહેવા માટે પોતાનો ખાલી બંગલો આપ્યો અને ઓરંગઝેબ રોડ પરનો આ બંગલો સરદાર સાહેબની સાધુતાનો સાક્ષી બનીને રહ્યો. સરકારી સુવિધાનો મેક્સિમમ ઓછો ઉપયોગ કરીને રાષ્ટ્ર સેવા કરી છે. ડાહ્યાભાઈના પુત્ર બીપીન પટેલને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધેલું કે બાપના નામે રોટલા શેકતા નહીં મહેનત કરજો પરંતુ મારી રાજકીય સેવાનો ઉપયોગ કરતા નહીં.
વલ્લભભાઇએ પોતાના જીવનસંગીની ઝવેરબાનો સાથ ગુમાવ્યો ત્યારે એમની ઉંમર ૩૩ વર્ષની હતી. એ સમયમાં તો પાટીદારમાં એક ઉપર બીજી પત્ની પણ લાવવામાં આવતી મતલબ કે એક પત્ની જીવતી હોવા છતા બીજી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવતા. વલ્લભભાઇની તો ઉંમર પણ બહુ નાની હતી અને સાવ નાના બે સંતાનોની જવાબદારી પણ એમના માથે હતી આથી એમના પુનઃલગ્ન માટે પરિવારમાંથી દબાણ શરુ થયુ પણ વલ્લભભાઇ આ માટે તૈયાર ન હતા.
સરદાર સાહેબ ૩૩ વર્ષની યુવાન વયે વિધુર થયા અને ૭૫ વર્ષની ઉંમરે અવસાન પામ્યા આ ૪૨ વર્ષમાં એકપણ ઘટના એવી નથી બની કે સરદાર સાહેબના ચારિત્ર્ય પર કોઇએ આંચળી ચીંધી હોય. આ ૪૨ વર્ષનો ઇતિહાસ તપાસો તો પણ ખબર પડે કે સરદાર સાહેબે એમના જીવનની કોઇ અંગત પળો જ રહેવા દીધી નહોતી. બહાર હોય ત્યારે લોકો અને કાર્યકરોથી ઘેરાયેલા હોય અને જ્યારે ઘરે હોય ત્યારે દીકરી મણીબેન સાથે હોય. પુરુષ તરીકે તમારી પાસે પદ અને પ્રતિષ્ઠા બંને હોય ત્યારે સ્ત્રીથી પોતાની જાતને દુર રાખવી એ કોઇ સાચો સાધુ જ કરી શકે બાકી કોઇનું કામ નહી. સરદાર વલ્લભભાઇ પટેલ સંસારી હોવા છતા સાધુ ચરીત મહાપુરુષ હતા.
સરદાર પટેલના કારણે આજે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સીટી બન્યુ છે. આજે દેશની જે પણ પ્રગતિ થઈ છે તેની પાયાની ઈંટ સરદાર પટેલ છે. ૫૬૨ દેશી રજવાડાઓને એકત્ર કરી અખંડ હિન્દુસ્તાનનું સર્જન કર્યું. તેમણે દરેક રજવાડાઓ પાસે માત્ર ૧૦ વીઘા જમીન લીધી હોત તો આજે તેમની પાસે ૫૬૫૦ વીઘા જમીન હોત. આવા પ્રમાણિક રાષ્ટ્ર નેતાઓ ક્યાં શોધવા ? જય સરદાર.. જય સરદાર.. તેમને કોટી કોટી વંદન. Mo.૯૮૨૫૭૦૨૨૮૨