પાકિસ્તાનની એક એકાઉન્ટેબિલિટી કોર્ટે નવા તોશાખાના કેસમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીની કસ્ટડી ૧૧ દિવસ વધારી દીધી છે. આ કેસની સુનાવણી જવાબદારી કોર્ટના જજ નાસિર જાવેદ રાણાની અધ્યક્ષતામાં થઈ હતી.
નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી) એ કોર્ટને જણાવ્યું હતું કે તેમના રિમાન્ડના છેલ્લા ૧૦ દિવસ દરમિયાન, ઇમરાન ખાન અને તેની પત્નીએ માત્ર બે વાર તપાસ ટીમને સહકાર આપ્યો હતો. એન્ટી કરપ્શન વોચડોગે તપાસ પૂર્ણ કરવા માટે ૧૪ દિવસના વધારાના રિમાન્ડની માંગણી કરી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ૧૧ દિવસના રિમાન્ડ લંબાવીને સુનાવણી ૧૯ ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે. તમને જણાવી દઈએ કે તોશાખાના કેસમાં ઈમરાન ખાન અને તેની પત્નીના ૨૪ દિવસના રિમાન્ડ પૂરા થઈ ચૂક્યા છે.
એનએબીએ પૂર્વ પીએમ અને તેમની પત્ની પર તોશાખાનામાંથી જ્વેલરી ખરીદવાનો અને નિયમોનું ઉલ્લંઘન કરીને વેચવાનો આરોપ લગાવ્યો છે. તોશાખાના એક ભંડાર છે જ્યાં વિદેશી નેતાઓ દ્વારા સરકારી નેતાઓને આપવામાં આવતી ભેટો રાખવામાં આવે છે. ઇમરાન ખાને ગુરુવારે સુનાવણી બાદ પત્રકારો સાથે વાત કરી હતી.
પત્રકારો સાથે વાત કરતા, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાને દાવો કર્યો હતો કે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના નેતૃત્વવાળી સરકાર બે મહિનામાં પડી જશે. તેમણે કહ્યું, “આ મૂર્ખ લોકો નથી સમજી રહ્યા કે આ સરકાર પાસે માત્ર બે મહિના છે. આ સરકાર બે મહિનામાં પડી જશે. મારી પાસે ઘણો સમય છે, પરંતુ તેમની પાસે સમય ઓછો છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, ભલે સરકાર તેમને જેલના સળિયા પાછળ રાખે, પણ તે સત્તા સાથે સમાધાન નહીં કરે. ઈમરાને કહ્યું કે, હું મારી સામેના તમામ કેસ લડી રહ્યો છું અને લડતો રહીશ. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન પર ૨૦૦ થી વધુ કેસ છે, જેમાંથી કેટલાકમાં તે દોષિત ઠર્યો છે. જામીન મળ્યા છતાં તેને છોડવામાં આવ્યો ન હતો