કાશ્મીરની ઉત્તરે આવેલ તુર્કસ્તાન દેશમાં તૈમુર નામે એક યોધ્ધો ઇ.સ.૧૩૩૬નાં રોજ જન્મ્યો હતો. તે પગે લંગડો હોવાથી સૌ લોકો તેને તૈમુર લંગ કહેતા હતાં. નાનપણથી જ અનેક દેશ જીતવાની મહેચ્છાવાળો હતો.
તે નિયમિત ખોરાક અને વ્યાયામનો માણસ હતો. તેથી એ શરીરે સુદ્રઢ અને સશક્ત હોવાથી તૈમુરે પોતાના લગભગ કેળવાયેલ સિપાઇઓ રાખ્યા હતાં. તેણે ઉત્તમ સૈન્ય વડે એક ચીન અને બીજુ હિન્દુસ્તાન સિવાય એશિયાના તમામ રાજ્યો એણે જીતી લીધેલા. રાજ્યની વ્યસ્થા કરવાને બદલે, યુરોપના દેશ જીતવા તૈયાર થયો. આથી યુરોપના રાજાઓ એટલા બધા ધ્રુજી ગયા કે તેમણે કિંમતી ભેટ મોકલી તૈમુરના મનનું સમાધાન કર્યું હતું. હિન્દુસ્તાનની દોલત મેળવવાની તેમજ મંદિરોની સંપત્તિ લઇ લેવાની તેને ઇચ્છા હતી.
ત્રેસઠ વર્ષની ઉંમરે એ ઇ.સ. ૧૩૯૯માં એ સિંધુ નદી પાર કરી ગયો. ગામો લૂંટતો, સર્વ લોકોને પકડી કેદ કરતો એ છેક દિલ્હી સુધી આવી પહોચ્યો. લોકોમાં હાહાકાર મચી ગયો. તેણે દિલ્હી લુંટ્યું.
છેવટે દિલ્હીનો બાદશાહ અહમદશાહ જે ફીરોજ તઘલખ વંશનો હતો એ લશ્કર લઇને તૈમુર સામે લડવા નીકળ્યો પણ અહમદશાહ તૈમુરની સામે ટકી ન શક્યો. હિન્દના સમ્રાટ તરીકે તૈમુર ગાદીએ બેઠો. અમીર, ઉમરાવ વિગેરે પાસેથી ભેટ લીધી. દિલ્હીમાં ચાર દિવસ શાંતિ રહી પરંતુ એક દિવસ વહેલી સવારે દિલ્હીના લશ્કરે દિલ્હીની પ્રજાને લૂંટી. ઠેર ઠેર ભયંકર આગ, લૂંટફાટ અને કતલ કરી લશ્કરે દાટ વાળ્યો. આખું શહેર સ્મશાન જેવુ વેરાન બની ગયું. આમ દિલ્હીમાં દાટ વાળી ખુબ જ સંપત્તિ લઇને તૈમુર પાછો ફર્યો. રસ્તામાં આવતા ગામો તો લૂંટતો જ ગયો. એમાંય હરદ્વારની પ્રજાએ તૈમરુને ખુબ હંફાવ્યો ય ખરો છેવટે અઢળક દોલત લઇને સમરકંદ પહોંચ્યો. તે વડે તેણે અનેક વિદ્યાલયો તેમજ પુસ્તકાલયો સ્થાપ્યા. પંડિતોને આશ્રય આપ્યો.
સમરકંદને જગત જાણીતું શહેર કર્યું.
વધુમાં એણે સુંદર મકાનો, મસ્જીદો અને વેધશાળા બંધાવ્યા. તેની ધાકથી તેના મુલકમાં એક નાનું બાળક પણ સોનાની થેલી ભરીને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જઇ શકતું હતું. આવ્યો હતો ખાલી હાથ અને ગયો ય ખાલી હાથ, સીતેર વર્ષની વયે ઇ.સ.૧૪૦૬માં તે મરણ પામ્યો હતો.