“બોસ, મેં જે પ્રમાણે રેકી કરી છે એ મુજબ ચમન શેઠ સવારે સાડા આઠે એના ઘર ‘અવધ રેસિડેન્સી” માંથી નીકળી તેની દુકાને નવ વાગ્યા આસપાસ પહોંચી જાય છે. પણ એની પહેલા તેના બેય નોકર બલ્લુ અને ચકો થોડા વહેલા આવીને દુકાનમાં ઓટલે બેસી ગયા હોય છે. માલતી કરીને એક લેડીઝ પણ દુકાને નોકરી કરે છે. ખાસ તો લેડીઝ કસ્ટમર માટે ચમન શેઠ બપોરે ઘરે જમવા જતા નથી પણ એકાદ નોકર તેનું ટિફીન ઘરેથી લઇ આવે છે.
નાગનાથ રોડ પાસે આવી મોકાની દુકાન અને ધીકતી કમાણી છોડીને કયો મુરખ નોકરોના હવાલે છોડીને ઘેર જમવા જાય ? હા, દુકાનની અંદર છ અને દુકાનની બહાર ચાર સીસીટીવી કેમેરા છે. ચમન શેઠ રાત્રે આઠ સાડા આઠે દુકાન વધાવે છે અને સાડા આઠથી નવ સુધીમાં ઘર તરફ રવાના થાય છે. પણ…પણ…” બાતમીદાર બકુલ બેટરી ત્યાં અટકી ગયો. અને બેય હાથથી રિવોલ્વર રમાડી રહેલ બોસ બાદશાહને તાકી રહ્યો “હું સાંભળુ જ છું બેટરી, આગળ બોલ” બાદશાહે રિવોલ્વરથી આગળ બોલવાનો ઇશારો કર્યો એટલે બેટરી બોલવા માંડયો: “પણ… પણ…. નાગનાથ ચોક સુધી એનો એક નોકર તેની સાથે એક્ટિવામાં હોય છે. એ ત્યાં ઉતરી જાય છે. એ પછી, શેઠ એકલાં જ – ”
“મીન્સ કે મોટામાં મોટી મૂર્ખામી ચમન શેઠ એ કરી રહ્યો છે કે એ એક્ટિવા લઇને નીકળે છે. વળતાં એ નાગનાથથી અવધ રેસિડેન્સી સુધી, એટલે કે બાર થી પંદર મિનિટ સાવ એકલો જ હોય છે. વળતાં, આખા દિવસની કમાણીનો દલ્લો પણ એની સાથે જ હશે એટલે કે આપણને…”
“તો ત્યાં તમે ભૂલ ખાવ છો બોસ.” બેટરીએ છેલ્લી માહિતી આપી દીધી: બપોરે ચાર વાગ્યા સુધીનો વકરો બેંકમાં નિયમિત ભરાઇ જાય છે. એટલે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીની રોકડ તેમના થેલામાં હોય શકે, પણ હું શ્યોર નથી.” બેટરીએ સ્પષ્ટતા કરી દીધી. બાદશાહ પાછો પડયો કેમ કે તેના કરતા તેના બાતમીદારનું માઇન્ડ વધારે પાવરફુલ હતું એ સાબિત થતું હતું. જા કે બાદશાહ પણ કીડનેપીંગના ધંધામાં થાતો ભુવો જ હતો. એક કેસ એણે પાટણમાં કર્યો હતો અને એમાં લાખેક રૂપિયા મળ્યાં પછી ચમન શેઠની બાતમી આવી હતી કે બે કરોડનો બકરો છે. વળી, સિંધુ સાહેબ જેવા કડક એસ.પી. ની બદલી પછી અમરેલી પંથક રેઢુ પડે છે. અને તેણે બેટરી જેવા કાબેલ બાતમીદારને કામે લગાડયા પછી, જે કાર્ડિયોગ્રામ નીકળ્યો એના ઉપરથી બહુ કાહટી કરવી પડે એમ લાગતું નથી એવું એને લાગ્યું.
ક્રાંકચ પાસેના ફાર્મહાઉસમાં બેઠા બેઠા અડધી રાત્રે તે સાવજની ત્રાડો સાંભળતો સાંભળતો થ્રી એકસ રમને ધીમે ધીમે સીપ કરી રહ્યો હતો. રાત્રી હતી અને રાત્રે જે પ્લાન બનતા હોય છે એ બહુ પરફેકટ બનતા હોય છે. રાત જતિ, રતિ, જાગી અને ભોગીઓની હોય છે. આજુબાજુ તેના ત્રણ પાગિયા આંટા મારતા હતા. બાદશાહે ત્રણેયને ડ્રીંકસ સીપ કરતા કરતા પ્લાન સમજાવ્યો: “નાગનાથથી આગળ ફોરવર્ડ સર્કલ આવે. પાંચેક મિનિટનો રસ્તો છે ત્યાં એક જણો ઉભો રહેશે. ચમનનું એક્ટિવા આવે એટલે એને રોકીને ઢસા ચાવંડનો રસ્તો પૂછવાનો. આસપાસ કોઇ આવતુ જાતું વાહન, માણસ દેખો તો પ્રશ્નોતરી લંબાવવાની. આપણું વાન આવે ઇ ભેગો એને બઠાવી લેવાનો. આંખે અને મોઢા ઉપર પાટા બાંધી સીધો અહીંયા, મેં પ્લાન કરી દીધો બાકીનું કામ પૂરૂં કરો. “ઓ.કે. બોસ બાકીનું પતાવી દઇશું.” ત્રણેય પાગિયા ઃ હકા, ભોકા અને કુકાએ કહી દીધું: ડોન્ટ વરી બોસ !!”

તે દિવસની સવાર પડી કે વરસાદનાં છાંટા આવવા શરૂ થયા. યુવાન દીકરાએ બાપને કહ્યું: “પપ્પા, મોટી ગાડી લઇને જાવને ! વરસાદ ચાલુ થશે તો પલળી જશો પણ હાડચામડે હજી યુવાન ચમન શેઠે દીકરાને ખબર ન પડે એમ પત્ની સામે આંખો મિંચકારતા જવાબ આપ્યો, “બેટા, તારો પપ્પો ઘરડો નથી થઇ ગયો એને હજીય ભીંજાવુ ગમે છે!” અને એક્ટિવા ચાલુ કરીને નીકળી ગયો. કોલેજ જતો યુવાન પુત્ર ઠપકાના સૂરે બબડયો: “માને નહીં કોઇનું પાછાં ! માંદા પડશો ત્યારે ખબર પડશે.” પણ એના શબ્દો સાંભળવા ચમન ત્યાં ઊભો નહોતો એ તો પત્ની સામે આંખ મિંચકારીને કયારનોય નીકળી ગયો હતો. પુત્ર પણ નાસ્તો કરીને કોલેજ જવા નીકળી ગયો. પરંતુ સમય, સંજાગ અને નસીબ સૂરજની મુસાફરીની સંગાથે કીડનેપર બાદશાહ બાજુ ઢળી રહ્યા હતા ! બપોર ઢળતામાં તો ગોરંભો રચાયો અને ધીમે ધીમે છાંટા આવવાના શરૂ થયા. પણ વિધિવત ચોમાસું બેઠુ ન હતું. ઘડીકમાં તો બંધ પણ થઇ ગયા. ઘરેથી એટલે તો પત્નીનો ફોન પણ આવ્યો કે છાંટા પાણીના વહેલા સર નીકળી જજા. પણ આજ ઓચિંતાના ઘરાક વધી રહ્યા હતા. રોજ કરતા કલાક ઊલટાનું મોડું થયું. ઝટપટ દુકાન વધાવીને એ નીકળ્યો ત્યારે છાંટા સારીપટ શરૂ થઇ ગયા હતા. થોડીક સ્પિડથી એક્ટિવા ચલાવી, નાગનાથ પહોંચી બલ્લુને ઉતારી આગળ વધ્યો ત્યાં તો વરસાદ વધી ગયો. બે સેકન્ડમાં તો રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. વીજળીના ચમકારા અને ગમનભેદી કડાકા-ભડાકા એક્ટિવાની આછી લાઇટ, આંખે નંબરના ચશ્મા અને આ વરસાદ ! ચમન ઘડીકમાં તો પલળી ગયો આખે આખો ! એક તો ધોધમાર પડતા પાણીમાં રસ્તોય ન દેખાય ને એમાં સ્ટ્રીટલાઇટ પણ ગઇ ! હજી ફોરવર્ડ સર્કલ પહોંચે ત્યાં તો વરસાદની રેલમછેલ ! ચમન ઊભો રહી ગયો. બાતમીદાર ત્યાં જ ઊભો હતો. આ તો શિકાર ખૂદ શિકારી પાસે આવી ઊભો. બેટરીએ દૂર ઊભા રહી ઝડપથી વાન લાવવા ફોન કર્યો અને પડખેથી સમ્મ કરતું એક વાન આવી ઊભું. ચમન શેઠ કશું સમજે એ પહેલા તો વાનનો દરવાજા ખૂલ્યો અને ચાર મજબૂત હાથોએ તેને પકડીને વાનમાં ફેંકી દીધો અરે… અરે.. તમે કોણ છો ? શું કરો છો… મને કેમ પકડયો શું કામ ? શું કામ ?…” ચમનની રાડો સંભળાતી હતી પણ ત્યાં વરસતા વરસાદમાં સાંભળવા વાળુ કોઇ નહોતું. એક્ટિવામાં રહેતો થેલો પણ બેટરીએ લઇ લીધો અને પાટુ મારીને એક્ટિવાને હેઠું પાડી દીધું અને વાન અંધારામાં ઓગળી ગયું… ચાલુ વાને “ચમનને આંખ મોઢે પટ્ટી બાંધી દીધી…બે કલાક પછી વાન ફાર્મ હાઉસે પહોંચ્યું ત્યારે અંધારૂ ખૂબ હતું. ચમનને જાળવીને બે જણા ઓરડીમાં દોરી લાવ્યા અને મોઢા ઉપરની અને આંખ ઉપરની પટ્ટી ખોલી. પણ ચમન શેઠને આંખે અંધારા આવી ગયા હતા. માંડ માંડ ઝાંખુ પાંખુ દેખાયું તો પોતે કોઇ અજાણ્યા સ્થળે હતો. એક બ્લ્બ જગતો હતો “મને અહીં શું કામ લઇ આવ્યા છો ?” તેનો ગુસ્સો પીડાથી ફાટ ફાટ હતો…” અને તમે કોણ છો ? મારો શું વાંક છે ?” આસપાસ હકો, કુકો મુકો અને બેટરી ઊભા હતા. “તમને કહું છું… કોણ છો તમે ?”
“બાપ… તારો બાપ છું હું…” બહારથી બાદશાહે આવતા આવતા કહ્યું. “અને તું કરોડપતિ છો એ તારો વાંક છે !” ચમન શેઠના ગાલે બરછટ હાથ ફેરવતા બાદશાહે અટ્ટહાસ્ય કરતા કહ્યું ઃ “ સમજે તુમ ? કી ઔર સમજાના પડેગા ?”
ગળામાં જાડી ચેન, ખાખી રંગનું પેન્ટ, કાળુ ટી શર્ટ, અઠવાડિયાની ચડેલી દાઢી અને પંદર દિવસથી જાણે ઓળ્યા વગરના વાળ! ચારે આંગળીએ વીંટી, કાંડે સોનાની પોંચી અને લાલઘૂમ આંખો એક હાથમાં દારૂની બોટલ… અને ચમન શેઠની ફરતે ફરતે ફરી રહેલા બાદશાહને જાઇને ચમન રડવા જેવો થઇ ગયો.
“સમજા કી ?” બાદશાહે મોઢાં સામે મોઢું લાવીને જાસથી ચીસ પાડી. ચમન આખે આખો ધ્રુજી ગયો. તેને ધ્રુજી ગયેલો જાઇને બાદશાહને મજા આવી. ચમન સમજી ગયો કે તેનું અપહરણ થયું છે. શું કરવું ?” મનમાં ને મનમાં પસ્તાવો કરી રહ્યો: “ફોરવર્ડ સર્કલ પાસે ઊભો રહ્યો ન હોત તો સારૂ હતું અને હા…” તેને દીકરાની સલાહ અત્યારે ખૂબ યાદ આવી. એ બિચારો કહેતો હતો કે મોટી ગાડી લઇને જાવ. આ વરસાદમાં પલળી જશો પણ…”
અત્યારે તો તેની આંખો વરસી પડી: એ બે હાથ જાડીને બોલ્યો ઃ “મારી પત્ની… મારો છોકરો – ચિંતા કરતા હશે. પ્લીઝ મને છોડી દો… મેં તમારૂં શું બગાડયું છે ? હું તો શાંતિથી ધંધો કરતો એક નાનો વેપારી છું અને મને તમે – ”
“નાનો પણ રાઇનો દાણો ચમન શેઠ !” બાદશાહે તેના ખભા ઉપર હાથ પછાડયો કે ખભો હચમચી ઉઠયો: “તું કેટલોક નાનો છો એ હું જાણું છું. તારી પાછળ દસ દસ દિવસની મેં મહેનત કરી છે સમજયો ? તને અમથો નથી મેં પકડયો, ભોળો બનવા જાય છે પાછો !” બાદશાહ ચિલ્લાયો: “તું જેટલો બહાર છો ને એટલો જ અંદર છો. હવે કાલો થતો બંધ થા. મારી પાસે તારી આખે-આખી કરમકૂંડળી છે !!”
પછી, સામે ઊભેલા ત્રણેય પાગિયાઓને પૂછયું: “ બધું પ્રિપ્લાન મુજબ જ થયું છે ને ? કોઇ તમને જાઇ તો નથી ગયું ને ?”
“ના…. ના… બોસ આપણાં પ્લાનમાં તો ભગવાનેય રાજી હશે તે…” કુકો હસી પડતા બોલ્યો: “આપણે કાંઇ કાહટી કરવી જ નથી પડી, શિકારી ખૂદ જાળમાં ફસાવા સામેથી આવી ચડયો. બોસ… અમરેલીમાં તો અત્યારે વરસાદ કેવો ચાલુ છે ખબર છે ? ધાર્યું નહોતું ને બપોરે કાળાભમ્મર વાદળાં ચડયા ને રાત્રે તો દે ધનાધન ! જાણે ચોમાસુ બેસી ગયું હોય અને મોસમનો પહેલો વરસાદ ખાબકતો હોય એમ… બોલો બોસ, આપણી સાથે ભગવાન પણ હશે જ એવું લાગે છે.”
“તો આ ક્યાં મળી ગયો ?”
“ફોરવર્ડ સર્કલે… જ…” બેટરી હસી પડયો: “હું ત્યાં જ ઊભો હતો ને શિકાર ખૂદ જાળમાં ફસાઇ ગયો…”
“કહેવું પડે બાકી…” બાદશાહ હસ્યો. પીળા પ્રકાશમાં તેના પીળાં દાંત દેખાઇ રહ્યા. ચમન થરથર ધ્રુજતો ઊભો હતો. બાદશાહે એક ક્ષણ તેની સામે જાયું અને પછી ત્રણેય પાગિયાઓને કહ્યું: “ તમને ચારેય ને… અભિનંદન આપું છું… (ક્રમશઃ)