ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર-ઇન-ચીફ મેજર જનરલ હુસૈન સલામીનું શુક્રવારે સવારે ઇઝરાયલી હવાઈ હુમલામાં મૃત્યુ થયું છે. ઇઝરાયલ દ્વારા આઇઆરજીસી હેડક્વાર્ટર પર બોમ્બમારા દરમિયાન હુસૈન સલામીનું મૃત્યુ થયું છે. તેહરાન ટાઇમ્સે તેના અહેવાલમાં સલામીના મૃત્યુની પુષ્ટિ કરી છે. હુસૈનીનું મૃત્યુ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની માટે સીધો ફટકો છે.આઇઆરજીસી એક એવી ફોર્સ છે જે સીધી ખામેનીને રિપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં, સલામીને ખામેનીના ખાસ માનવામાં આવતા હતા.

આઇઆરજીસી કમાન્ડર-ઇન-ચીફ હુસૈન સલામી ઉપરાંત, ઘણા અન્ય ઈરાની લશ્કરી અધિકારીઓને પણ ઇઝરાયલી હુમલાઓમાં નિશાન બનાવવામાં આવ્યા છે. અપ્રમાણિત અહેવાલો કહે છે કે ઈરાનના ચીફ ઓફ જનરલ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ બાઘેરી,આઇઆરજીસી એરોસ્પેસ ફોર્સીસ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ, ઈરાન ન્યુકલીયર પ્રોગ્રામ ચીફ મોહમ્મદ ઇસ્લામી અને ઓર્ગેનાઇઝેશન ઓફ ડિફેન્સીવ ઇનોવેશન એન્ડ રિસર્ચના વડા બ્રિગેડિયર જનરલ રેઝા મોઝફ્ફરિનિયાને પણ ઇઝરાયલી હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા છે.

ઈરાન પર ઈઝરાયલના હુમલામાં તેહરાનની અંદર મોટા પાયે નુકસાન થયાના અહેવાલ છે. ખાસ કરીને, ઈરાની સેનાના લોકોના માર્યા જવાના સમાચાર છે. ઈરાને ઈરાનના પરમાણુ સ્થળ પર હુમલાનો દાવો પણ કર્યો છે. આ પછી, ઈરાને તેહરાનનું પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે ઈરાન ગમે ત્યારે બદલો લઈ શકે છે.

ઇઝરાયલે કહ્યું છે કે જ્યાં સુધી ઇરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે નાશ ન પામે ત્યાં સુધી તે તેના હુમલા ચાલુ રાખશે. તે સ્પષ્ટ છે કે ઇઝરાયલ લાંબા યુદ્ધનો સંકેત આપી રહ્યું છે. બીજી તરફ, ઇરાની સૈન્યએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે જા કોઈ આપણા પર યુદ્ધ લાદશે તો તેનો જવાબ આપવામાં આવશે. ઇરાને પણ વળતો હુમલો કરવાનો સંકેત આપ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં મોટી લડાઈ જોવા મળી શકે છે.

ઈરાન પરના હુમલા બાદ ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમની વાયુસેનાએ ઈરાનના પરમાણુ સંવર્ધન કાર્યક્રમના મુખ્ય કેન્દ્ર પર હુમલો કર્યો છે. આ હુમલો ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ ૨૨૫ કિલોમીટર દક્ષિણમાં ઈરાની શહેર નતાન્ઝમાં સ્થિત ઈરાનના મુખ્ય સંવર્ધન કેન્દ્ર પર કરવામાં આવ્યો છે.