યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખાદ્યતેલ બજોર પર મોટી અસર પહોંચી છે. છેલ્લા ૩ મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ૨૦૦થી લઈ ૬૦૦ રૂપિયા સુધી ભાવવધારો જોવા મળ્યો છે. યુદ્ધની શરૂઆતથી આજ સુધી પામતેલના ભાવમાં પણ ભાવવધારો જરૂર જોવા મળ્યો છે. એની સીધી અસર ફરસાણ ઉદ્યોગ પર જોવા મળી છે. નમકીન ઉદ્યોગ પર આજે લગભગ ૫૦% જેટલી અસર જોવા મળી રહી છે. યુદ્ધ બાદ સૌથી વધુ સનફ્લાવર તેલમાં રૂ.૫૦૦થી ૬૦૦નો અસહ્ય ભાવવધારો થયો છે. કપાસિયા તેલમાં ૩૦૦થી ૪૦૦ અને સીંગતેલમાં રૂ.૪૦૦નો વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સીંગતેલમાં રૂપિયા ૪૦૦નો ભાવવધારો થતાં મધ્યમવર્ગીય પરિવારની હાલત ‘ખાયે તો ખાયે કયા, જોયે તો જોયે કહાં’ જેવી કફોડી થઈ છે.
રાજકોટના ખાદ્યતેલના વેપારીએ જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તમામ તેલના ભાવમાં ઘટાડો જરૂર જોવા મળ્યો હતો, પરંતુ આમ છતાં પણ આજે ખાદ્યતેલના ભાવ ૨૮૦૦ સુધી પહોંચી ગયા છે, જે અત્યારસુધી હાઈએસ્ટ ભાવ માનવામાં આવી રહ્યો છે. એને કારણે ખાદ્યતેલમાં વચ્ચે અછત જરૂર જોવા મળી હતી, પરંતુ ધીમે ધીમે અછત દૂર થઇ રહી છે. યુદ્ધ બાદ દરેક પ્રકારના તેલમાં ૨૦૦થી ૬૦૦ રૂપિયા સુધી ભાવવધારો જોવા મળ્યો છે. હાલના તબક્કે ખાદ્યતેલ એક્સપોર્ટ કરવામાં આવતું નથી, પરંતુ ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુદ્ધના કારણે સનફ્લાવર તેલનું પૂરતા પ્રમાણમાં ઈમ્પોર્ટ થતું નથી. યુદ્ધ પછી લગભગ બે મહિના સુધી નહીંવત પ્રમાણમાં સનફ્લાવર તેલ ઈમ્પોર્ટ થતું હતું, એને કારણે આજે પણ સનફ્લાવર તેલનો ભાવ ઊંચો જોવા મળી રહ્યો છે. યુદ્ધ પછીના સમયમાં સનફ્લાવર તેલમાં ૬૦૦ રૂપિયા જેટલો જંગી ભાવવધારો જોવા મળ્યો છે. મલેશિયાથી મોટા ભાગે પામોલીન તેલ આયાત કરવામાં આવે છે. પામોલીન કરતાં સીંગતેલના ભાવ ઓછા હોવાની ઘટના પ્રથમ વખત આ યુદ્ધના કારણે જોવા મળી હતી. આગામી સમયમાં હજુ પણ ખાદ્યતેલના ભાવમાં ૫૦ રૂપિયા સુધી ભાવવધારો જોવા મળે એવી શક્યતા છે.
મોટા ભાગે લોકો ખાદ્યતેલમાં રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરે છે, પરંતુ ભાવ સતત ઊંચા જોય છે. યુક્રેન-રશિયાની યુદ્ધની સ્થિતિમાં આયાતી તેલમાં ધરખમ વધારો થયો છે, જેને કારણે ઇન્ડસ્ટ્રીયલ વપરાશ નહીંવત પ્રમાણમાં થઇ રહ્યો છે અને ફરસાણ ઉદ્યોગ, કંદોઈ સમાજ પરેશાન થઈ ગયો છે, જેના પર મોટી અસર જોવા મળી છે. કેટલાક નમકીન ઉદ્યોગ તો બંધ થઇ ગયા છે અને કેટલાક ઉદ્યોગો પહેલાં કરતાં માત્ર ૫૦% જ કામ કરી રહ્યા છે. ખાદ્યતેલનો વપરાશ પ્રમાણમાં યુદ્ધ પછી ઓછો થતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ખાદ્યતેલના ઊંચા ભાવને કારણે આજે મધ્યમવર્ગ મોટું ૧૫ કિલોનું ટીન ખરીદવાના બદલે માત્ર ૫ લિટરનું કેન લેવાનું પસંદ કરી રહ્યા છે.
મોંઘવારી અને ફૂગાવાને કાબૂમાં લેવા સરકારે ખાદ્યતેલોના ભાવો ઘટે એ માટે સ્ટોક લિમિટ, આયાતની છૂટ આપવાની જરૂર છે. છેલ્લે, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ પર આયાત ડ્યૂટી રદ કરવા સહિતનાં અનેકવિધ પગલાં લીધા છતાં ભાવ ઘટ્યા હોવાનું સામે આવ્યું નથી. જ્યારે ચીનમાં ઓફ સીઝન છતાં સીંગતેલની નિકાસ થતાં સૌરાષ્ટ્ર સીંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના મિલરોએ સપ્તાહમાં જ ૩૦૦ કન્ટેઇનરો, એટલે કે આશરે ૬૦૦૦ ટન સીંગતેલ નિકાસ માટે રવાના કર્યું છે, જ્યારે યાર્ડમાં લાખો ગૂણી મગફળી ઠલવાતી હોય, ૫૦૦થી વધુ તેલ મિલો ધમધમતી હોય ત્યારે આટલી નિકાસની અસર ઓછી થાય, પરંતુ હાલ ઓફ સીઝનમાં આ નિકાસથી ભાવ ઊંચાઈએ રહ્યા છે. મિલરોનો દાવો છે કે ચીન ૨ ટકા સુધી ફ્રી ફેટ્ટી એસિડ ધરાવતું તેલ પણ ખરીદી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે અડધા ટકા સુધીનું હ્લહ્લછવાળું તેલ હોય એ બે વર્ષ સુધી બગડતું નથી, આથી તેની સંગ્રહખોરી થતી હોય છે. ઉલ્લેખનીય છે કે સીંગતેલના ભાવમાં પણ શેરબજોરના ભાવની જેમ ઓછો ઘટાડો અને વધુ વધારો એવી થતું રહે છે. ત્યારે ખેડૂતોને યાર્ડમાં મળતા મગફળીના ભાવ પહેલેથી જ રૂ. ૧૦૦૦થી ૧૩૦૦ પ્રતિ મણના અને સીંગદાણાના ભાવ રૂ.૧૭૦૦ આસપાસ જ જળવાયા છે, જેની સામે સીંગતેલના હાઈએસ્ટ ભાવ વર્ષ ૨૦૨૨માં જોવા મળી રહ્યા છે.