દેશના લગભગ બધા રાજ્યોમાં ઘટી રહેલા કોરોના વાયરસના કેસો વચ્ચે તેલંગાનાના ખમ્મમ જિલ્લામાં એક સરકારી સ્કૂલની અંદર ૨૮ છાત્રાઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી છે. આ ઘટના બાદ રાજ્યના આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે કે સ્કૂલના બધા બાળકો, સ્ટાફ અને બધા શિક્ષકોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવશે. માહિતી મુજબ હાલમાં આ સ્કૂલમાં ૫૭૫ બાળકો છે.
કેસો સામે આવ્યા બાદ તેલંગાનાના આરોગ્ય મંત્રી ટી હરીશ રાવે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે ફોન પર વાત કરી અને કોરોના વાયરસથી સંક્રમિત છાત્રાઓની સ્થિતિ વિશે માહિતી માંગી. આરોગ્ય મંત્રી ટી હરીશ રાવે અધિકારીઓને નિર્દેશ આપ્યા કે બધી પાઝિટિવ છાત્રાઓનો સારામાં સારો ઈલાજ કરવામાં આવે. આ સાથે જ આરોગ્ય મંત્રીએ વિસ્તારમાં કોરોના વાયરસનુ સંક્રમણ રોકવા માટે બધા જરૂરી પગલાં લેવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે રવિવારે આખા તેલંગાનામાં ૨૪ કલાકની અંદર કોરોના વાયરસના ૧૦૩ નવા કેસ રેકાર્ડ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે(૨૨ નવેમ્બર)ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જોહેર કરાયેલ આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વયારસના ૮,૪૮૮ નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા ૫૩૮ દિવસમાં સૌથી ઓછા છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૫૧૦ કોરોના દર્દી રિકવર થઈ ગયા છે. આ દરમિયાન એક દિવસમાં કોવિડ-૧૯થી ૨૪૯ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧,૧૮,૪૪૩ છે. જે ૫૩૪ દિવસ બાદ સૌથી ઓછા કેસ છે.