તેલંગાણામાં એક મિસાઇલ ઇંધણ ઉત્પાદન કંપનીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ કામદારોના મોત થયા હતા અને છ અન્ય લોકોને ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે મંગળવારે સાંજે યાદદ્રિભુવનગિરી જિલ્લાના મોટાકોંડુર મંડળમાં પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ પ્રાઇવેટ લિમિટેડમાં વિસ્ફોટ થયો હતો. કાટેપલ્લી ગામમાં આવેલી આ કંપનીમાં થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ સંદીપ, નરેશ અને દેવી ચરણ તરીકે થઈ છે, જેઓ મોટાકોંડુર ગામના રહેવાસી છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મોટાકોંડુર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, “મામલો નોંધવામાં આવ્યો છે અને વિસ્ફોટનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.” દરમિયાન, મૃતકોના પરિવારોએ કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કરીને પીડિતોને ન્યાય અને વળતરની માંગ કરી હતી.
પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ લિમિટેડ ભારતના પ્રતિષ્ઠિત મિસાઇલ કાર્યક્રમો માટે સોલિડ પ્રોપેલન્ટ્‌સ (મિસાઇલોમાં વપરાતા ઇંધણનો એક પ્રકાર) નું અગ્રણી ઉત્પાદક છે. ઘન પ્રોપેલન્ટ્‌સ એવા ઘન પદાર્થો છે જે નિયંત્રિત રીતે બળીને ધક્કો ઉત્પન્ન કરે છે, જ્યારે વિસ્ફોટકો અચાનક, ઝડપી વિસ્તરણમાં ઊર્જા મુક્ત કરે છે. સોલિડ પ્રોપેલન્ટ્‌સનો ઉપયોગ રોકેટ એન્જીનમાં થ્રસ્ટ ઉત્પન્ન કરવા માટે થાય છે, જ્યારે વિસ્ફોટકોનો ઉપયોગ બાંધકામ, ખાણકામ અને યુદ્ધ માટે થાય છે.
મંગળવારે રાત્રે અજમેરના પાલરા ઔદ્યોગિક વિસ્તારમાં એક કાગળની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ૧૫ થી વધુ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર ઓફિસર ગૌરવ તંવરે જણાવ્યું હતું કે, “અમને આગની માહિતી મળતાં જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. અમને આશા છે કે સવાર સુધીમાં અમે પરિસ્થિતિને કાબૂમાં લઈ શકીશું.