જ્યોતિ ગઇકાલે જ માસિકમાં બેઠી હતી. આમ તો આવા પિરિયડ સમયે તેને પેઢુમાં સખત દુઃખાવો તો રહેતો જ. એ સહન પણ કરી જ લેતી.
વળી માસિક પણ અનિયમિત અને વધારે પડતો રકતસ્ત્રવ થવાથી તેની તબિયત વધારે બગડી જતી. આવી પરિસ્થિતિ બે કે ત્રણ દિવસ તો રહેતી જ. પહેલેથી જ બે કે ત્રણ મહિને તે એમ.સી.માં આવતી. આવું થતાં તે ટેવાઇ ગયેલી. પછી તો… બે ત્રણ મહિના સાવ નિરાંત રહેતી આવા પ્રકારની તકલીફ તે કોઇને કહી કેમ શકે ? બસ, ઉજાગરા અને મુસાફરીનો થાક… એવું જ કહેવું સારૂં.
પરંતુ સમજુબા… એક એવી લાગણીશીલ મૂર્તિ હતાં કે કોઈનું દુઃખ તેઓ જાઇ ન શકે. એમાં આ તો નાની એવી છોકરી ! પરગામથી આવી આ ઘરના આશરે રહેતી જ્યોતિ ! જ્યોતિ રૂમમાં ગઇ તેને કલાક પસાર થયો. આથી બાથી હવે રહેવાયું નહીં. તેઓ ઊભા થયા અને જ્યોતિના રૂમમાં દાખલ થયા. જાયું તો પરી જેવી જ્યોતિ તો ઘસઘસાટ ઊંઘતી હતી તો પણ બા… તેના માથા પાસે જઇ ઊભા રહ્યા.
બરાબર આ સમયે જ જ્યોતિનું માથું આમ – તેમ ધ્રુજ્યું, પછી બંધ આંખોએ તેના મોઢામાંથી સ્પષ્ટ શબ્દો નીકળ્યા: “વિજય… વિજય… અને હા.”
આવું સાંભળતાં બાને થયું કે, જ્યોતિ ઊંઘમાં બકવાસ કરે છે એટલે તેનો હાથ મૃદુતાથી જ્યોતિના કપાળ પર ફેરવ્યો અને સાવ ધીમેથી બોલ્યા: “બેટા જ્યોતિ, તારે પાણી પીવું છે ? લાગે છે કે તારૂ ગળુ સુકાતું હશે…”
બાના વહાલભર્યા શબ્દો સાંભળી જ્યોતિએ તેનું ડોકું હકારમાં હલાવ્યું ને ધીમેથી આંખોનાં પોપચાં ઊંચા કર્યા. બા…ઉતાવળે ચાલીને ઝડપથી પાણી લઇ આવ્યા. જ્યોતિને પાણી પાયું ત્યાં તો વળી જ્યોતિએ તેની આંખો મીંચી દીધી. એટલે બાએ ફરીથી પૂછયું: “તારા માટે ગરમ ગરમ રાબ બનાવું…?”
“ના બા.., રાબ મને ગરમ પડે” નકારમાં માથું ધુણાવી જ્યોતિએ કહ્યું.
બાને કયાં ખબર હતી કે, આ છોકરી પિરિયડમાં છે. એ તો એમ જ પ્રેમવશ થઇ જઇ પૂછયું હતું. છતાં પણ બાએ વાત તો કરી જ લીધી “ બેટા, તું વિજય… વિજય… એવો લવારો કરતી હતી. યાદ છે તને ? તને કંઇ વધારે તકલીફ કે કંઇ થતું તો નથી ને ? એવું કંઇ હોય તો દવાખાને જવું પડે. તું જરાપણ મુંઝાતી નહીં…” આટલું બોલી બા…રૂમમાંથી બહાર નીકળ્યા. મોડે સુધી જ્યોતિ ઊંઘતી રહી જ્યારે તે ઊઠી ત્યારે તરત જ તેને બા…ના પેલા શબ્દો આવ્યા: “બેટા, તું વિજય… વિજય…એવો કંઇક બકવાસ કરતી હતી. તને કંઇ વધારે તકલીફ કે કંઇ થતું તો નથી ને ? એવું કંઇ હોય તો દવાખાને જવું પડે. તું જરાપણ મુંઝાતી નહીં.” બાના આવા શબ્દો યાદ આવ્યા એટલે તો તે ગહન વિચારમાં સરી પડી એ સાથે તો તેની આંખમાંથી આંસુડાની ધારા વહેવા લાગી. એ ખૂબ ખૂબ રડી અંતે તેણે પથારીનો ત્યાગ કર્યો અને બાથરૂમમાં દાખલ થઇ.
અત્યારની પરિસ્થિતિ એવી હતી કે તેને ફરજિયાત નાહવું પડે તેમ હતું. અંગ પરનાં વસ્ત્ર ઉતારી તે નાહવા લાગી. નાહી લીધા પછી, બાથરૂમમાંથી બહાર નીકળી તેણે બીજા ધોયેલા કપડાં પહેર્યા. પછી રૂમમાંથી તે બહાર નીકળી.
આમેય તે નાહવાથી શરીરનો અર્ધો થાક તો ઊતરી જ જાય અને અંગ અંગમાં સ્ફૂર્તિનો અહેસાસ પણ થાય. એ બહાર નીકળી ત્યારે બા હિંડોળા પર બેઠા હતા. તરત જ તેમની નજર જ્યોતિ પર સ્થિર થઇ. અત્યારે જ્યોતિનું વદન ખીલેલું દેખાયું એટલે તો બાએ હસતા હસતા પૂછયું ઃ
“સારૂં છે ને બેટા…?”
“હા…બા, નાહી લીધું એટલે થોડી તાજગી અનુભવુ છું. જ્યોતિએ સસ્મિત વદને જવાબ આપ્યો.
“સારૂં…સારૂં…!”
“ચાર થયા. હવે મારે શાળાએ જવું જાઇએ. આચાર્યને મોઢું દેખાડું એટલે સારૂં લાગે. ને… હા, તેમને મારી સાથે ને દામલ સાથે કંઇક વાત પણ કરવાની છે. હું હવે જાઉં છું બા…” આટલું બોલી જ્યોતિ પગરખાં પહેરી ડેલી તરફ ચાલતી થઇ.
જ્યોતિ ડેલી બહાર નીકળી ચાલવા લાગી. શાળા બહુ છેટે ન હતી. પંદર મિનિટમાં તો જ્યોતિ આરામથી શાળાએ પહોંચી ગઇ. જેવી તે આચાર્યની ઓફિસમાં દાખલ થઇ ત્યારે તેને જાતા જ મગનભાઇ બોલ્યા “તારે પાછું અહીં આવવાની જરૂર ન હતી જ્યોતિ ! આરામ કર્યો હોત તો…?”
“હવે તો ઘણું સારૂં છે સાહેબ, એટલે તો ચાલી આવી.”
“ઠીક છે, ખુરશીમાં બેસ…” સાહેબે કહ્યું.
ખુરશી પર બેસતા પહેલા ટેબલ પર પડેલું એક માસિક ઉઠાવી લઇ પછી જ્યોતિ ખુરશી પર બેઠી. બેઠા-બેઠા ચોપડીના પાનાં તે આમ – તેમ ફેરવતી રહી. થોડીવાર થઇ ત્યાં તો ફરી આચાર્ય સાહેબ બોલ્યા:
“દવે આવે એટલે પછી આપણે ચર્ચા કરીએ…”
આ શબ્દો સાંભળતા જ્યોતિને યાદ આવ્યું. દામલે જ તેને આ વાત કરી હતી કે, તું આવે પછી આચાર્ય સાહેબ કંઇક વાત કરશે એટલે તો જ્યોતિ ઊંડા વિચાર કરવા લાગી હતી. તેને વિચારો આવવા જરાયે અસ્થાને તો ન જ હતા. કારણ કે એવી તે શી વાત હશે કે, રજા પરથી પોતે આવે પછી દામલની હાજરીમાં આચાર્યે વાત કહેવી પડે…
જે હોય તે, અર્ધો કલાક એમ જ પસાર થયો. શાળાનો સમય પૂરો થવામાં હવે વધારે વાર ન હતી. જ્યોતિ આમ વિચારતી હતી ત્યાં જ દામલે ઓફિસમાં પ્રવેશ કર્યો. અંદર આવતાની સાથે સાહેબને નમસ્તે કર્યા. જ્યોતિ પણ ખુરશીમાંથી ઊભી થઇ ને પછી બન્ને આચાર્ય સાહેબના ટેબલ નજીક ગોઠવાયા.
હવે આચાર્ય સાહેબે તેવું બધું કામ પડતું મૂકી વ્યવસ્થિત રીતે બેઠા એ સાથે જ ધીમા અવાજે તેઓ બોલ્યા ઃ
“દવે તથા જ્યોતિ જુઓ… આપણે સૌએ શાળાના નિયમો કે પરિપત્ર પ્રમાણે ચાલવું જ રહ્યું. આવા જ એક નિયમ મુજબ મેં એક આચાર્ય હોવાના નાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલું છે. તમે બન્ને હજી તો સાવ નવા નવા છો. એટલે ભારપૂર્વક કહું છું કે, આપણે પ્રવાસ જાહેર રજા સહિત વધુમાં વધુ ત્રણ દિવસની મર્યાદામાં જ ગોઠવવામાં આવે છે. (ક્રમશઃ)