લાલુના પરિવારમાં પાછી ભવાઈ ચાલુ થઈ ગઈ.
બિહારમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી છે ત્યારે જ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સર્વેસર્વા લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપે અનુષ્કા યાદવ નામની યુવતી સાથે ૧૨ વર્ષથી સંબંધ હોવાનો ધડાકો કરી નાખ્યો. ૨૪ મે, ૨૦૨૫ ના રોજ સાંજે તેજ પ્રતાપના સોશિયલ એકાઉન્ટ પરથી પોસ્ટ કરાઈ હતી કે, પોતે ૧૨ વર્ષથી અનુષ્કા યાદવ સાથે રિલેશનશિપમાં છે.
આ પોસ્ટ પછીથી ડીલીટ કરાઈ અને તેજ પ્રતાપે ઠ એકાઉન્ટ પર દાવો કર્યો કે, તેનું આઈડી હેક કરવામાં આવ્યું છે અને ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા છે. અફવાઓ પર ધ્યાન ના આપો. જો કે તેજ પ્રતાપની પહેલી પોસ્ટ વાયરલ થઈ ચૂકી હતી. તેજ પ્રતાપના અનુષ્કા સાથેના બીજા ફોટા અને વીડિયો પણ વાયરલ થઈ ગયા હતા તેથી તેજ પ્રતાપની વાત કોઈએ ના માની. બીજાંની વાત છોડો પણ તેજ પ્રતાપના પિતા લાલુએ પણ આ ખુલાસો ના સ્વીકાર્યો અને તેજ પ્રતાપને આરજેડી અને પરિવારમાંથી પણ છ વર્ષ માટે કાઢી મૂક્યો.
રાજકીય વિશ્લેષકો તેજ પ્રતાપની હકાલપટ્ટીને નાટક ગણાવે છે. તેજ પ્રતાપે ૨૦૧૮માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયની પૌત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ફક્ત એક વર્ષ ચાલ્યા હતા અને હાલમાં છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ઐશ્વર્યાએ તેજ પ્રતાપ પાસે ૩૬ કરોડ રૂપિયા વળતર માગ્યું છે.
તેજ પ્રતાપે પોતે ૧૨ વર્ષથી અનુષ્કા સાથે રીલેશનશિપમાં હોવાનો દાવો કરીને લાલુના પરિવાર માટે કાનૂની મુશ્કેલી ઉભી કરી દીધી છે. તેજ પ્રતાપની કબૂલાતનો અર્થ એ થાય કે, અનુષ્કા સાથે સંબંધો હોવા છતાં તેજ પ્રતાપે ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા અને ઐશ્વર્યા સાથે લગ્ન પછી લગ્નેતર સંબંધો ચાલુ રાખ્યા હતા. આ મુદ્દે કોર્ટ તેજ પ્રતાપ સામે આકરું વલણ લઈ શકે.
લાલુના પરિવારને આ વાતની ખબર હોવા છતાં તેમણે દીકરાને ઐશ્વર્યા સાથે પરણાવી દીધો એવો મુદ્દો ઐશ્વર્યા દ્વારા ઉભો કરાય તો લાલુનો આખો પરિવાર નવા કેસમાં ફસાય તેથી લાલુએ તેજ પ્રતાપને તગેડી મૂક્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં તેજ પ્રતાપના લફરાના કારણે સમસ્યા ના થાય એટલે પણ આ નાટક કરાયું છે. એક વાર તેજ પ્રતાપના ડિવોર્સ થઈ જાય ને વિધાનસભાની ચૂંટણી પતી જાય એટલે તેજ પ્રતાપ પાછો યાદવ પરિવારમાં આવી જશે.
આ વાત સાચી પડી શકે છે.

તેજ પ્રતાપ હનીટ્રેપનો ભોગ બન્યો છે ?
તેજ પ્રતાપ આ મુદ્દે ચૂપ છે પણ કમ સે કમ લાલુનો પરિવાર તો એવું જ માને છે. લાલુના ભત્રીજા નાગેન્દ્ર રાયે તો ખુલ્લો આક્ષેપ કર્યો છે કે, તેજ પ્રતાપ અનુષ્કાના પરિવારના હનીટ્રેપમાં ફસાઈ ગયો છે. નાગેન્દ્ર રાય બિહારમાં અત્યંત માથાભારે મનાય છે અને લાલુની રાજકીય પ્રગતિમાં નાગેન્દ્ર રાયની ગુંડાગીરીનો મોટો ફાળો હોવાના દાવા થાય છે. અનુષ્કાના પિતા મનોજ યાદવ નાગેન્દ્રના દૂરના સાળા થાય છે. નાગેન્દ્રના કહેવા પ્રમાણે, અનુષ્કાની માતાએ તેના પિતાને ફસાવીને લગ્ન કર્યા હતા અને હવે અનુષ્કાનો ઉપયોગ પણ પોતાના દીકરા આકાશને ધારાસભ્ય કે સાંસદ બનાવવા થઈ રહ્યો છે. અનુષ્કાના પરિવારનો પ્લાન તેજ પ્રતાપને હનીટ્રેપમાં ફસાવીને અનુષ્કા સાથે લગ્ન કરાવીને આકાશને ધારાસભ્ય કે સાંસદ બનાવવાનો હતો. નાગેન્દ્રના કહેવા પ્રમાણે તો તેજ પ્રતાપ અને અનુષ્કાના રીલેશનશિપની કબૂલાતની પોસ્ટ્‌સ પણ તેજ પ્રતાપના મોબાઇલ પરથી અનુષ્કાના પરિવારે કરી હતી, ફોટો-વીડિયો વાયરલ પણ અનુષ્કાનો પરિવાર જ કરી રહ્યો છે.
આ બધી વાતોમાં કેટલો દમ છે એ ખબર નથી પણ અનુષ્કા અને તેજ પ્રતાપ વચ્ચે લાંબા સમયથી સંબંધો છે તેમાં બેમત નથી. અનુષ્કા યાદવ તેજ પ્રતાપ કરતાં ત્રણ વર્ષ નાની છે. અનુષ્કાનો પરિવાર પટનાના લંગરટોલીમાં રહે છે. મનોજ યાદવનો પરિવાર નાગેન્દ્રના ઘરે જતો. નાગેન્દ્ર અને તેજ પ્રતાપ પિતરાઈ ભાઈ છે તેથી તેજ પ્રતાપ પણ આવતો. તેજ પ્રતાપ અને અનુષ્કા પહેલીવાર મળ્યાં ત્યારે અનુષ્કા પટનાની બિશપ સ્કોટ ગર્લ્સ સ્કૂલમાં ભણતી હતી. બંને પછી ખાનગીમાં મળવા લાગ્યાં અને ધીરે ધીરે સંબંધો ગાઢ બન્યા પણ અનુષ્કાના પરિવારનું સ્ટેટસ લાલુના ખાનદાન કરતાં નીચું હોવાથી લાલુના પરિવારે લગ્ન ના કરાવ્યાં હોય એ શક્ય છે. સામે અનુષ્કાને પણ ભાઈના રાજકીય વિકાસના કારણે તેજ પ્રતાપ પરણેલો હોવા છતાં તેની સાથે સંબંધો રાખવામાં રસ હોય એ શક્ય છે.

તેજ પ્રતાપે પહેલાં પણ ડ્રામા કર્યા છે.
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી વખતે તેજસ્વીએ પોતાનું ધાર્યું કરીને તેજ પ્રતાપના માણસોને ટિકિટ ના આપતા તેજ પ્રતાપ વંકાયો હતો. તેજ પ્રતાપે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)થી અલગ પક્ષ રચવાની જાહેરાત કરી હતી પણ લાલુ-રબડીદેવીએ તેને ધમકાવીને બેસાડી દીધેલો. થોડા દા’ડા ચૂપ રહ્યા પછી તેજ પ્રતાપે આરજેડીથી અલગ લાલુ-રાબડી મોરચો બનાવીને બિહારની તમામ ૪૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની ધમકી આપેલી.  લાલુએ તેજ પ્રતાપ અને તેના માણસોને ધમકાવતાં એ નાટક સમાપ્ત થઈ ગયેલું.
થોડા દિવસો પછી તેજ પ્રતાપે એવો દાવો કર્યો હતો કે, તેને કોઈ અજાણ્યા ફોન નંબર પરથી મોતની ધમકી મળી રહી છે. તેજ પ્રતાપે પોલીસને ફરિયાદ પણ કરી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે, તેને ફોન કરનારા માણસે તેનું અને તેના આસિસ્ટન્ટ શ્રૃજન સ્વરાજ બંનેનું કાસળ કાઢી નાખવાની ધમકી આપી છે. તેજ પ્રતાપે ફોન કરનાર આરજેડીની વિદ્યાર્થી પાંખનો નેતા હોવાનો દાવો પણ કર્યો હતો.
તેજ પ્રતાપે ૨૦૨૧માં અનુષ્કાના ભાઈ આકાશ ગૌરવ ઉર્ફે આકાશ યાદવના મુદ્દે પણ ભારે બખેડો કર્યો હતો. તેજ પ્રતાપ પોતે પહેલાં આરજેડીની વિદ્યાર્થી પાંખનો સંરક્ષક હતો તેથી તેજ પ્રતાપે આકાશને છાત્ર આરજેડીનો પ્રદેશ પ્રમુખ બનાવી દીધો હતો. ઓગસ્ટ ૨૦૨૧માં છાત્ર આરજેડીનો એક કાર્યક્રમ કરાયો તેમાં બેનરો અને પોસ્ટરોમાં તેજસ્વી યાદવનો ફોટો નહોતો મૂકાયો. પ્રદેશ પ્રમુખ જગદાનંદ સિંહે સવાલ કરતાં આકાશે બદતમીઝી કરતાં સિંહે આકાશ યાદવને દૂર કરીને ગગન યાદવને કમાન સોંપી દીધી. તેજ પ્રતાપે તેની વિરૂધ્ધ મોરચો ખોલીને પોતાના સરકારી નિવાસસ્થાને પ્રેસ-કોન્ફરન્સમાં ચિદાનંદસિંહને ગાળો આપેલી અને કોર્ટમાં જવાની ધમકી પણ આપી હતી. તેજ પ્રતાપ લાલુનો દીકરો હોવાથી તેને તો કશું થયું નહીં પણ આકાશ યાદવને તગેડી મૂકાયેલો. આકાશ યાદવ પછી પશુપતિ કુમાર પારસની પાર્ટી રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP)માં ગયેલો પણ હમણાં ત્યાંથી પણ કાઢી મૂકાયો છે.

તેજ પ્રતાપની તુલનામાં તેજસ્વી ઠરેલ છે. નવમા ધોરણ સુધી જ ભણેલો તેજસ્વી લાલુ-રબડીનાં નવ સંતાનોમાં સૌથી નાનો છે. દિલ્હીમાં મથુરા રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ)માં તેજસ્વી ભણેલો પણ બહુ આગળ નહોતો વધ્યો. તેજસ્વી સ્કૂલમાં હતો ત્યારે જ હરિયાણાના હિસારની ખ્રિસ્તી છોકરી રાશેલ ગોર્ડિન્હોના પરિચયમાં આવ્યો હતો અને તેને પરણીને અંગત જીવનમાં થાળે પડ્‌યો છે. રાશેલે લગ્ન પછી હિંદુત્વ સ્વીકારીને રાજશ્રી નામ અપનાવ્યું છે અને એક દીકરી તથા એક દીકરાની માતા છે.
તેજસ્વી રાજકારણમાં આવ્યો એ પહેલાં ક્રિકેટર હતો. તેજસ્વી મહેન્દ્રસિંહ ધોનીની નકલ કરીને લાંબા વાળ રાખતો હતો. ઝારખંડ વતી રણજી ટ્રોફીમાં ચાર દિવસની એક મેચ, બે વન ડે અને ચાર ટી ટ્‌વેન્ટી મેચ રમનારા તેજસ્વીનો હાઈએસ્ટ સ્કોર ૧૯ રન હતો, શ્રેષ્ઠ બોલિંગ દેખાવ ૧૦ રન આપીને ૧ વિકેટ હતો.
તેજસ્વી ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ)માં દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાં હતો. ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૨ આઈપીએલ સિઝનમાં દિલ્હી ડેરડેવિલ્સ ટીમના સભ્ય તેજસ્વીને એક પણ મેચ રમવાની તક નહોતી મળી. તેજસ્વી સ્પિન બોલિંગ નાખતો અને સ્વિંગ બોલિંગ પણ કરી શકતો. બેટ્‌સમેન તરીકે સારી બેટિંગ કરી લેતો પણ દિલ્હીની ટીમમાં સ્ટાર ખેલાડી ભર્યા હોવાથી તેને તક નહોતી મળી. તેજસ્વીના દિલ્હી ડેરડેવિલ્સમાં સમાવેશ અંગે વિવાદ થયો હતો અને લાલુની લાગવગથી ટીમમાં લેવાયો હોવાના આક્ષેપો પણ થયા હતા. લાલુએ તેજસ્વીને રાજકીય વારસ તરીકે પસંદ કર્યો તેનું કારણ તેજસ્વીની આક્રમકતા અને રાજકારણ પર ફોકસ છે. તેજસ્વી ભ્રષ્ટાચારના કેસોમાં ફસાયેલો છે પણ તેના નામે બીજા વિવાદો નથી. સામે તેજ પ્રતાપનું કેરેક્ટર રહસ્યમય છે. તેજ પ્રતાપ એક તરફ પોતાને આધ્યાત્મિક ગણાવતો ને બીજી તરફ મોંઘી કારો તથા બાઈક લઈને ફરતો ને લેવિશ લાઈફસ્ટાઈલથી જીવતો હતો. અલબત્ત લાલુને તો મોટા દીકરાના લખ્ખણ ખબર જ હશે તેથી તેમણે તેજસ્વીને પસંદ કર્યો હશે.