બિહારના વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. આ ઘટના પટનાના ગંગા મરીન ડ્રાઇવ પર સુલતાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યારે તેજસ્વી યાદવ એક કાર્યક્રમમાં હાજરી આપીને નવાદાથી પટના પરત ફરી રહ્યા હતા.
માહિતી મુજબ, જ્યારે તેજસ્વી યાદવનો કાફલો ગંગા મરીન ડ્રાઇવ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક સફેદ ઇનોવા કાર ખૂબ જ ઝડપે તેમના કાફલામાં ઘૂસી ગઈ. ઇનોવાના ડ્રાઇવરે પણ તેજસ્વીના વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ અણધારી ઘટનાથી કાફલામાં હાજર સુરક્ષા કર્મચારીઓ અને સહાયકો ચોંકી ગયા.
આરજેડી નેતાના સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ઇનોવા ડ્રાઇવરને પકડી લીધો. સુલતાનગંજ પોલીસ સ્ટેશનના વડા મનોજ કુમારે જણાવ્યું હતું કે ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે ઇનોવાનો ડ્રાઇવર નશામાં હતો. તે મોકામાના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે તેજસ્વી યાદવને ‘વાય પ્લસ’ સુરક્ષા આપવામાં આવી છે. તેજસ્વી યાદવ નવાદામાં પાર્ટીમાં જાડાવાના કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં તેમનું સોનાનો મુગટ અને ચાંદીનો ફાનસ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
વાય પ્લસ સુરક્ષા એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમના જીવ જાખમમાં હોય છે, ખાસ કરીને રાજકીય નેતાઓ, વીઆઇપી,વીવીઆઇપી અને અન્ય હાઇ-પ્રોફાઇલ લોકો.વાય પ્લસ સુરક્ષામાં સામાન્ય રીતે ૧૧ સુરક્ષા કર્મચારીઓ હોય છે. તેમાં ૧ અથવા ૨ કમાન્ડો (સીઆરપીએફ અથવા સીઆઇએસએફના હોઈ શકે છે) અને ૨ વ્યક્તિગત સુરક્ષા અધિકારીઓ શામેલ હોય છે. આ ઉપરાંત, તેમાં અન્ય પોલીસકર્મીઓ પણ હોય છે. આ સુરક્ષા કર્મચારીઓનું કામ વ્યક્તિની ૨૪*૭ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે, જેમાં તેના ઘર, કાફલા અને મુસાફરી દરમિયાન સુરક્ષાનો સમાવેશ થાય છે.








































