રાજદ નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવના લગ્ન નક્કી થઈ ગયા છે. આજે અથવા તો આવતી કાલે દિલ્હી ખાતે તેમની સગાઈ પણ થઈ શકે છે. સમગ્ર લાલુ પરિવાર હાલ દિલ્હીમાં છે. તેજસ્વી અને તેજ પ્રતાપ બંને લાલુ યાદવ સાથે દિલ્હીમાં છે. આ ઉપરાંત રાબડી દેવી અને મીસા ભારતી પણ ત્યાં હાજર છે. જાણવા મળ્યા મુજબ સગાઈમાં ફક્ત ૫૦ ખાસ સંબંધીઓ જ સામેલ થશે.
લાલુ યાદવને ૭ દીકરીઓ અને ૨ દીકરા છે. તેજસ્વી યાદવ (૩૨ વર્ષ) સૌથી નાના છે. જાકે તેજસ્વી યાદવ લાલુ યાદવના રાજકીય વારસ ગણાય છે. લાલુની અનુપસ્થિતિમાં તેઓ જ પાર્ટી સાથે સંકળાયેલા તમામ નિર્ણયો લઈ રહ્યા હતા. તેજસ્વી હાલ બિહારમાં વિપક્ષના નેતા પણ છે.
તેજસ્વી યાદવ રાઘોપુર બેઠકના ધારાસભ્ય છે. તેઓ ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેમણે ક્રિકેટમાં પણ હાથ અજમાવેલો છે. તેઓ આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાંથી રમી ચુક્યા છે અને ઝારખંડ ક્રિકેટ ટીમનો હિસ્સો પણ રહી ચુક્યા છે.
તેજસ્વી યાદવના મોટા ભાઈ તેજ પ્રતાપના લગ્ન ૨૦૧૮ના વર્ષમાં થયા હતા. તેમના લગ્ન ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા રાય સાથે થયા હતા. જાકે લગ્નના અમુક મહિનાઓ બાદ જ તેજ પ્રતાપે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી દીધી હતી. તેજ પ્રતાપ અને ઐશ્વર્યાએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હાઈ વોલ્ટેડ ડ્રામા બાદ આખરે બંનેના ડિવોર્સ થઈ ગયા છે.