પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બોબજારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેણીએ કહ્યું, “તેઓ ઝાલમુરીનું વચન આપી રહ્યા છે, પણ હું તમને ભેલપુરી ખવડાવીશ.” તેણીએ આરોપ લગાવ્યો કે ઝારગ્રામમાં વડાપ્રધાનનો ઝાલમુરી ખાવાનો કાર્યક્રમ પૂર્વ-આયોજિત હતો.
મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે દુકાનમાં પહેલાથી જ સીસીટીવી અને ટીવી કેમેરા લગાવેલા હતા. તેમણે કટાક્ષમાં કહ્યું, “સુરક્ષાના નામે, ઝાલમુરી ઘરે બનાવવામાં આવી હતી, અને દુકાનદારને ફક્ત ૧૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.” ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું, “તેઓ કહે છે કે જા તેઓ જીતે તો ઝાલમુરી ખાશે, પરંતુ હું કહું છું કે હું તમને દિલ્હીથી ભેલપુરી ખવડાવીશ. તેઓ ચૂંટણી જીતવા માટે ઝાલમુરી બતાવી રહ્યા છે.”
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું, “અમે મસાલેદાર ઝાલમુરીના ટેવાયેલા છીએ, પરંતુ શું તમે ક્્યારેય માછલી અને ચિકન કરી ખાધી છે? હું તમારા ઢોકળા, ઢોસા, લિટ્ટી, ઠેકુઆ અને સત્તુ ખાઉં છું.” હું ઈદ પર સેવણી અને હલવો પણ ખાઉં છું, મને ધર્મ શીખવશો નહીં.’
અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં એક રેલી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમના ઝાલમુરીએ શાસક પક્ષને ભારે ફટકો આપ્યો છે. ટીએમસી પર ઘૂસણખોરીને રક્ષણ આપવા અને જંગલ રાજને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા, પીએમ મોદીએ મટુઆ અને નમશુદ્ર સમુદાયોને આશ્રય આપવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નાગરિકતા સુધારા કાયદા હેઠળ નાગરિકતા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.