કબ તક બોઝ સંભાલા જાયે,
દ્વંદ કહાં તક પાલા જાયે
દૂધ છીન બચ્ચોં કે મુંહ સે
ક્યોં નાગોં કો પાલા જાયે
દોનોં ઓર લિખા હો ભારત
સિક્કા વહીં ઉછાલા જાયે
તૂ ભી હૈ રાણા કા વંશજ
ફેંક જહાં તક ભાલા જાયે
ઇસ બિગડૈલ પડોસી કો તો
ફિર શીશે મેં ઢાલા જાયે
તેરે મેરે દિલ પર તાલા
રામ કરેં યે તાલા જાયે
વાહિદ કે ઘર દીપ જલે તો
મંદિર તક ઉજાલા જાયે
કબ તક બોઝ સંભાલા જાયે
યુદ્ધ કહાં તક ટાલા જાયે
તૂ ભી રાણા કા વંશજ
ફેંક જહાં તક ભાલા જાયે
આ શૌર્યથી છલકતી કવિતા સ્વ. વાહિદ અલી વાહિદની છે. દેશભક્તિથી ઓતપ્રોત વ્યક્તિ કોઈ પણ પંથની હોય શકે. મુસ્લિમ હોય તો તેમાં ગર્વ કરવા જેવો નથી. આનો અર્થ એ થયો કે જેઓ (ખાસ કરીને સેક્યુલર પ્રજાતિ) કોઈ પણ ત્રાસવાદી આક્રમણ કે આપદા વખતે મુસ્લિમે મદદ કરી તેવો પ્રચાર કરવા લાગે છે, તેમને મુસ્લિમો પાસે અપેક્ષા નથી કે તેઓ સારા હોય, દેશભક્તિથી ઓતપ્રોત હોય.
પહેલગામમાં ધર્મ પૂછીને ૨૫ હિન્દુ અને એક ખ્રિસ્તીને મારી નખાયા પછી ભારતે તેનો બદલો ૬ મેની અડધી રાત્રે (ટૅક્નિકલી ૭ મેએ) મિસાઇલ છોડીને ૧૦૦ ત્રાસવાદીઓને મારી નાખીને તેમજ તેમનાં ઠેકાણાં ધ્વસ્ત કરીને લીધો. આ પરાક્રમની જાણ કરવા સેનાએ અને વિદેશ મંત્રાલયે સંયુક્ત રીતે પત્રકાર પરિષદ બોલાવી. તેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી અને વ્યોમિકા સિંહ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશી પણ હતાં. પરંતુ સેક્યુલર પ્રજાતિએ સોફિયા કુરેશીની નોંધ લઈ રાષ્ટ્રવાદીઓને ટોણો માર્યો કે તમે મુસ્લિમો સામે નફરત ફેલાવતા હતા, જુઓ, સેનાએ સોફિયા કુરેશીને આગળ કર્યાં. સાચી વાત એ છે કે રાષ્ટ્રવાદીઓ મુસ્લિમોને ઘૃણા કરતા જ નથી. તેમ હોત તો ડા. એ. પી. જે. અબ્દુલ કલામ, મોહમ્મદ રફી, મોહમ્મદ અઝહરુદ્દીન, મોહમ્મદ કૈફ, મોહમ્મદ શમી, શાહનવાઝ હુસૈન, સુબહુ ખાન, સૈયદ રિઝવાન અહમદ, તારીક ફતેહ વગેરેને રાષ્ટ્રવાદીઓ વધાવત જ નહીં. હા, રાષ્ટ્રવાદીઓને શાહરુખ ખાન, સલમાન ખાન, આમીર ખાન અને સૈફ અલી ખાન સામે વાંધો છે. શરૂઆતમાં આ લોકોને માથે બેસાડનારા રાષ્ટ્રવાદીઓ જ હતા. જો ન હોત તો તેઓ સુપરસ્ટાર ન બની શક્યા હોત. પરંતુ તેમનાં બેવડાં ધોરણો દેશ બાબતે અને હિન્દુઓ બાબતે બહાર આવ્યા પછી જ તેમનો વિરોધ છે. રાષ્ટ્રવાદીઓને વાંધો તો હિન્દુ પિતાના દીકરા સંજય દત્ત, હિન્દુ અભિનેત્રી જયા બચ્ચન સામે પણ છે. સંજય દત્તનો સૌથી વધુ વિરોધ એકે-૪૭ રાખવા માટે હિન્દુવાદીઓએ જ કર્યો હતો. એટલે અહીં પ્રશ્ન પંથનો નથી, પ્રશ્ન રાષ્ટ્રવાદનો છે – દેશભક્તિનો છે. વિક્રમ મિસ્રી કે વ્યોમિકાસિંહ પર ગર્વ એટલા માટે કરવાનો કે તેઓ અમુક જાતિના કે પંથના છે? એ તો બાય ડિફાલ્ટ હોવું જોઈએ.
પરંતુ આ દેશના નાગરિકોમાં દેશભક્તિ ઇન બિલ્ટ નથી જ. ભારત ક્રિકેટ મેચ જીતે ત્યારે તાળી પાડવી કે ‘ગદર’ ફિલ્મ જોઈ વંદે માતરમ્‌નાં સૂત્રો પોકારવાં એ દેશભક્તિ નથી. એટલે જ કોઈએ બ્લેક આઉટને ત્રાસ ગણાવ્યો તો કોઈએ પોતાની લોકપ્રિયતા તપાસવાનું મોદીનું નાટક. કોઈએ પહેલગામ આક્રમણ પછી પાકિસ્તાનને ઉત્તર દેવાના બદલે મોદીજીએ જાતિગત જનગણનાનો નિર્ણય જાહેર કર્યો (આ નિર્ણયની ટીકા આ લેખકે પણ કરી હતી, પરંતુ પાકિસ્તાનને ઉત્તર નહીં દેવા માટે નહીં, જાતિગત જનગણનાના નિર્ણય માટે) તેને માસ્ટરસ્ટ્રાક ગણાવી વ્યંગ કર્યો. અરે ! ફાલ્ગુની સોલંકી નામનાં એક કાંગ્રેસના કથિત કાર્યકર્તાએ તો એમ લખ્યું કે પહેલાં પહેલગામ હુમલો કરાવવાનો અને પછી સેના પાસે અડધી રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક કરાવવાની અને એનો લાભ ચૂંટણીમાં લઈને ચૂંટણી જીતવાની. આ (કુ)તર્ક પ્રમાણે, શું ૧૯૪૭, ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧માં કાંગ્રેસ સરકારોએ આક્રમણ કરાવ્યું હતું? અને ચૂંટણીઓ જીતી હતી? તો કોઈએ સિંદૂર નામને પછાત માનસિકતા ગણાવી.
સમાજને જાગૃત કરવાનું ઉત્તરદાયિત્વ ધરાવતા પરંતુ હવે પૂર્વગ્રહથી ગ્રસિત એવા લોકો યુદ્ધાભ્યાસને પણ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં એવું કહે છે. શું યુદ્ધાભ્યાસ પહેલગામ આક્રમણ પહેલાં કરવાનો હતો? ૪૮ પર્યટન સ્થાનો બંધ કરાયા તે નિર્ણય અંગે એમ કહી શકાય કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં. એટલે જ બહુ તાતી આવશ્યકતા છે કે યુદ્ધાભ્યાસ, કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે કેમ વર્તવું, આપત્તિ થાય જ નહીં તે માટે ભીડ હોય ત્યારે કેમ વર્તવું તેનું શિક્ષણ બાળમંદિરથી આપવામાં આવે. ભાજપ જ્યારે સત્તામાં નહોતો આવ્યો ત્યારે તે અને તેના વૈચારિક સંગઠનો ઇઝરાયેલની જેમ ફરજિયાત સૈન્ય શિક્ષણની વાત કરતા હતા, પરંતુ અગિયાર વર્ષ થયાં, નવી શિક્ષણ નીતિ આવી ગઈ પરંતુ ફરજિયાત સૈન્ય શિક્ષણ ન આવ્યું. ઓછામાં ઓછું એનસીસી અને એનએસએસ ફરજિયાત કર્યું હોત તો પણ ચાલત. જો આ હોત તો કોરોના કાળમાં લાકડાઉન માટે આટલી બધી જાગૃતિ ફેલાવવી ન પડે. મત માટે અપીલો કરવી ન પડે. બ્લેક આઉટ કે ૨૦૧૫ના પાટીદાર અનામત આંદોલન વખતે ઇન્ટરનેટ પર પ્રતિબંધ એ ત્રાસ ન લાગે. ક્યારેક કોઈ વિશાળ છ લેન રસ્તો બનતો હોય કે ફ્‌લાય આૅવર બનતો હોય ત્યારે કરવું પડતું ખોદકામ અડચણરૂપ ન લાગે. સરકારી અધિકારીઓ પણ આૅપરેશન સિંદૂર માટે વડાપ્રધાન મોદી અને તેમની સરકારના બદલે માત્ર સેનાને અભિનંદન આપતી પાસ્ટ મૂકે ત્યારે કે આંતરરાષ્ટ્રીય મંચ પર આઈએમએફનો ભારતીય અધિકારી કૃષ્ણમૂર્તિ સુબ્રમણિયમ કહે કે હું ભારત સરકારનો નોકર નથી, સરકાર મને હટાવી ન શકે (અને આ કહ્યા પછી સરકારે તેને હટાવી દીધો) તો સરકારે વિચારવું પડશે કે સરકારમાં કેવા લોકો બેઠા છે ! કોઈ કહેશે કે વડાપ્રધાન મોદીએ જ સેનાને ક્યારે વળતી કાર્યવાહી કરવી તેની છૂટ આપી હતી તો અભિનંદનની અધિકારી તો સેના જ છે ને? પરંતુ સરકારની લીલી ઝંડી હોય ત્યારે જ સેના કાર્યવાહી કરી શકે. એવું જ હોય તો ૨૦૦૮ના પહેલગામ કરતાંય ભીષણ મુંબઈ આક્રમણ (જે ત્રણ દિવસ ચાલ્યું હતું અને સ્ટેશન, હાટલ સહિત અનેક સ્થાનોએ થયું હતું) પછી કેમ સેનાએ વળતી કાર્યવાહી ન કરી? બીજું કે સેના ત્યારે કાર્યવાહી કરી શકે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય દબાણમાં ન આવીએ. અને આ દબાણની સામે દીવાલ બનીને કોણ ઊભું રહે છે આપણા દેશમાં? સેના? ના. આપણા દેશમાં એ કામ સરકાર કરે છે. અને વડાપ્રધાન મોદી અને તેમની ટીમને આ બાબતે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે કારણકે તુર્કિયે અને ચીન જેવા એક-બે દેશ બાદ કરો તો બાકી આખું વિશ્વ લગભગ ભારત સાથે ૨૨ એપ્રિલે પહેલગામના આક્રમણ પછી પણ હતું અને ૭ મેએ આૅપરેશન સિંદૂર ભારતે કર્યું તે પછી પણ છે. હા, સંયુક્ત રાષ્ટ્રમાં ચીનની પીપૂડી વધુ વાગે છે તેથી તેના મહા સચિવ એન્ટોનિયો ગુટરેસે ઠાવકી સલાહ આપી કે સૈન્ય સમાધાન કોઈ રસ્તો નથી અને બંને દેશો સંયમ રાખે. ટ્રમ્પે પણ કહ્યું કે આ (સૈન્ય કાર્યવાહી) અટકે તેમ હું ઇચ્છું છું. મોદી સરકારમાંથી વડાપ્રધાન મોદી, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે કુટનીતિની ધુરા પોતાના હાથમાં સંભાળી હતી. વડાપ્રધાન મોદીએ કતારના અમીર (પ્રમુખ) અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે વાત કરી તેમનો ટેકો મેળવ્યો. વિદેશ પ્રધાન એસ. જયશંકર પહેલગામના પાકિસ્તાની-કાશ્મીરના સ્થાનિકોના આક્રમણ પછી અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયો, રશિયાના વિદેશ પ્રધાન સર્જી લાવરોવ સહિતના વિદેશ પ્રધાનો સાથે વાત કરી. યુરોપીય દેશોને તો એસ. જયશંકરજી ઝાટકી જ નાખે છે. યુક્રેઇન-રશિયા યુદ્ધ પછી પણ ઝાટકેલા છે કે બેવડાં ધોરણો બંધ કરો. તમારી સમસ્યા આખા વિશ્વની અને અમારી સમસ્યા માત્ર અમારી? તુમ્હારા લહુ લહુ ઔર હમારા લહુ પાની?
આ વખતે પણ ભારતને ઉપદેશ આપવા માટે તેમણે યુરોપીય દેશોને ઝાટકી નાખ્યા, કહ્યું કે ભારતને ઉપદેશકોની આવશ્યકતા નથી, ભાગીદારોની છે. ભારતે આૅપરેશન સિંદૂર કર્યું તે પછી પણ તેમણે વિદેશ પ્રધાનો સાથે વાત કરી. આ તરફ, આ પ્રકારના આક્રમણની ચતુર રણનીતિ બનાવવામાં કુશળ અજિત દોભાલજીએ પણ આઠેક દેશના તેમના સમકક્ષો સાથે વાત કરી. સાઉદી અરેબિયા અને ઇરાન એ બંને સુન્ની-શિયાની રીતે સામસામા ધ્રૂવના દેશોના વિદેશ પ્રધાનો પણ આૅપરેશન સિંદૂર પછી ભારત દોડી આવ્યા. પડદા પાછળ શું રંધાયું હશે અને મોદીજી-વિદેશ પ્રધાન જયશંકરજીએ કેવી રીતે સમજાવ્યા હશે તે રામ જાણે. પરંતુ એટલું નક્કી છે કે ‘સમજાવી’ દેવાયા છે કારણકે આૅપરેશન સિંદૂર ૭ મેએ થયું પછી બધા માની બેઠા હતા કે હવે પૂરું, પણ ૮ મેએ પણ સમાચાર આવ્યા કે લાહોર, રાવલપિંડી, કરાચી, ગુજરાંવાલા, બહાવલપુર, મિંયાવાલી, છોર, ચકવાર અને અટોકમાં ધડાકા થયા છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે જ ઇઝરાયેલી ડ્રાનથી આ કામ કર્યું છે. ભારતીય સેનાએ અને સરકારે જોકે અધિકૃત રીતે તેની પુષ્ટિ નથી આપી.
બીજી તરફ, બલુચિસ્તાનના સ્વતંત્રતા સેનાનીઓએ બે આક્રમણ કરી પાકિસ્તાનના ૧૪ સૈનિકો મારી નાખ્યા છે. તો ત્રીજી તરફ, અફઘાનિસ્તાનના યુટ્યૂબરો મજા લઈ રહ્યા છે કે ભારતની બે મહિલા સેનાપતિઓ (વ્યોમિકાસિંહ અને સોફિયા કુરેશી)એ પાકિસ્તાનની દુર્દશા કરી નાખી. ભારતના રાષ્ટ્રવાદીઓ મજા લઈ રહ્યા છે કે જે પાકિસ્તાની સાંસદો પરમાણુ શસ્ત્રોની ધમકી આપી ગર્જના કરી રહ્યા હતા કે ભારતને અમે પાઠ ભણાવીશું તેઓ સંસદમાં રોઈને અલ્લાહ પાસે મદદ માગી રહ્યા છે. ટીવી પર એન્કરો રોઈ રહી છે. જોકે મોઢું તો કાંગ્રસના રાહુલ ગાંધી સહિતના નેતાઓનું પણ પડી ગયું હતું અને કાંગ્રેસની કાર્યકારિણીની બેઠક બોલાવ્યા પછી જાણે કોઈ શોકસભામાં બોલતા હોય તેમ ધોળા કપડામાં ઉદાસ ચહેરે સહુ બોલી રહ્યા હતા.
અનધિકૃત સૂત્રો કહે છે કે બલોચ સ્વતંત્રતા સૈનિકોએ પોતાનો ઝંડો લહેરાવી દીધો છે અને ચલણ પણ જાહેર કર્યું છે. વિદેશોને પણ રાજદ્વારી મિશન પાકિસ્તાનથી ખસેડી બલુચિસ્તાનમાં લાવવા કહ્યું છે. સિંધમાં પણ પાણી માટે ત્યાંના લોકો આંદોલન કરી રહ્યા છે. ખૈબર પખ્તુન,ગિલગીટ-બાલ્ટિસ્તાન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં તો પાકિસ્તાન સામે ચરુ ઉકળેલો છે જ. આ વખતે મોદી સરકાર પાસે અપેક્ષા દેશની જનતા, વિશેષ તો પહેલગામ આક્રમણના પીડિતો એ રાખે છે કે – માત્ર એક- બે આક્રમણ કરી સંતોષ ન માની લેશો. અમેરિકાએ જાપાન પર પરમાણુ બામ્બ ઝીંકીને પછી તેના સૈન્યને બંધ કરી દીધું તેવું કંઈક કરો જેથી પાકિસ્તાનરૂપી ગુમડાથી સદા માટે છૂટકારો મળે. બીજું કે દેશના ઘાતકીઓ પર પણ હવે સર્જિકલ સ્ટ્રાઇક કરો. ચંડોળા તળાવમાંથી બાંગ્લાદેશીઓને ખદેડવાની વાત હોય ત્યારે તેમની કરુણ કથા ઉપજાવતા અમે તો બેધડક સવાલ પૂછીશું જ પ્રકારના મીડિયા, યુટ્યૂબર લલ્લુ-પંજુઓ, કે પછી ૮ મેએ, ભારતના આૅપરેશન સિંદૂરના એક દિવસ પછી જ, અમૃતસર ઍરપાર્ટ બંધ કરી દેવાયું, પાકિસ્તાનની મિસાઇલને ભારતીય પ્રણાલીએ નિષ્ફળ બનાવી તેવા જ સમયે સર્વોચ્ચ ન્યાયાલય પ્રદૂષણ માટે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્લીની સરકારોને અવમાનનાની નાટિસ આપે છે ! આવા સમયે સરકારો પોલીસની રજા રદ્દ કરે, બ્લેક આઉટનો યુદ્ધાભ્યાસ કરે, સ્કૂલોમાં રજા આપે, કે પછી તમારી અવમાનના નાટિસનો ઉત્તર આપે? અને પ્રદૂષણ માટે સૌથી વધુ જવાબદાર તો પંજાબ, તેની આઆપ સરકારની નિષ્ક્રિયતા માટે છે, અને તેના કારણે ગયા વર્ષે પાકિસ્તાનમાં પણ પ્રદૂષણ ફેલાયું હતું. તો પંજાબને કંઈ નહીં કહેવાનું અને ભાજપ શાસિત આ રાજ્યોને અત્યારે, આવા ટાણે જ નાટિસ આપવાની? સર્વોચ્ચની જ પેનલે ન્યાયમૂર્તિ યશવંત વર્માને તેમના ઘરે હોળી આસપાસ લાગેલી આગમાં રોકડ નાટો રાખ થઈ ગઈ તેના માટે દોષિત ઠરાવ્યા પછી બે દિવસ વિતી ગયા છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી. સમાચાર છે કે મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના યશવંત વર્માના પ્રતિભાવની રાહ જુએ છે. શું દોષિતના પ્રતિભાવની રાહ જોવાની હોય? બીજા કોઈ ભ્રષ્ટાચાર કે બળાત્કાર માટે દોષિત હોય તો તેના પ્રતિભાવની રાહ જોવાય છે? તેમની તો આરોપ લાગે કે તરત ધરપકડ કરવામાં આવે છે?
અને મહારાષ્ટ્રમાં બહુમતી ગુમાવી દીધા પછી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન તરીકે ત્યાગપત્ર આપ્યો તે કેસ હોય કે તમિલનાડુમાં વિધેયકોને અનુમતી નહીં આપવાનો રાજ્યપાલ અને રાષ્ટ્રપતિનો કેસ હોય, ન્યાયાલય સક્રિય રીતે ટીપ્પણી કરે છે. આ વખતે તો ન્યાયાલયે રાષ્ટ્રપતિને આદેશ આપ્યો કે વિધેયક પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવાનો રહેશે, જો ન લઈ શકે તો કારણો આપવાના રહેશે. તારી ભલી થાય ! ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, તેને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. અને તેમને આદેશ હોય? અને તે પણ ત્યારે જ્યારે સર્વોચ્ચ અને નીચલાં ન્યાયાલયોમાં હજારો કેસો વર્ષોનાં વર્ષોથી લટકેલા હોય. સ્વામી રામદેવ સામે ભ્રમિત કરતા વિજ્ઞાપનનો પતંજલિ સામેનો કેસ હોય કે તાજેતરમાં તેમણે ‘રુહ અફ્‌ઝા’ સામે શરબતી જિહાદનો મૂકેલો આક્ષેપ હોય, કે પછી ધર્મસંસદમાં હિન્દુ સંતો, સુદર્શન ન્યૂઝના સ્વામી ડા. સુરેશ ચવ્હાણ કે. દ્વારા કથિત વિવાદિત નિવેદન આપવાની વાત હોય, માનનીય સર્વોચ્ચો ભગવાં કપડાં જોઈને કેમ ભડકે છે? આવાં ભ્રમિત કરનારાં વિજ્ઞાપનો ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા પ્રમાણિત છે તેમ કરીને અપાય છે, અકબરુદ્દીન ઓવૈસી, વારિસ પઠાણ સહિત અનેક દ્વારા ભડકાઉ નિવેદનો આપવામાં આવે છે, ફારુક અબ્દુલ્લા તો દેશવિરોધી નિવેદનો આપે છે, તો તેમની સામે કેમ કોઈ આદેશ તો જવા દો, ટીપ્પણી નથી કરાતી?
ભારતની અંદર આરફા ખાનમ શેરવાની, રાણા અયૂબ, રવીશકુમાર, પુણ્ય પ્રસૂન વાજપેયી જેવા કથિત પીદ્દી પત્રકારો હોય તો તે ચિંતાની જ વાત છે. પાકિસ્તાની પુરુષોને પરણીને અહીં રહેતી સ્ત્રીઓ હોય અને આઠ-આઠ બાળકો કરતી હોય તો તે ચિંતાની વાત છે. બાંગ્લાદેશીઓને સીમાએથી ઘૂસવા કોણ દે છે? તેમને ચૂંટણી મતદાન કાર્ડ, આધાર કાર્ડ કોણ બનાવી આપે છે? બાંગ્લાદેશી-રોહિંગ્યાઓ તરફે કયા ન્યાયમૂર્તિઓને કૂણી લાગણી છે અને તેમનાં સંતાનોની તરફેણમાં ચુકાદા આપે છે? આટલું બધું સાફ્‌ટ સ્ટેટ રહેવું ભારતને પાલવે તેમ નથી. બહુ થયું હવે. કબ તક બોઝ સંભાલા જાયે, દ્વંદ કહાં તક પાલા જાયે, તૂ ભી હૈ રાણા કા વંશજ, ફેંક જહાં તક ભાલા જાયે.
jaywant.pandya@gmail.com