ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી ખાંભા તુલસીશ્યામ રેન્જમાં હનુમાનપુરથી દલડી રોડ રેવન્યુ વિસ્તારમાં સિંહ જોવાના ઈરાદે ફોર-વ્હીલમાં અમદાવાદના રોહિત હીરાલાલ રાજપૂત અને તેજસ રાજેન્દ્રસિંહ પરમાર આવી પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે સિંહને બેઠેલો જોઈ ગાડીની હેડલાઈટનો પ્રકાશ કરી હોર્ન વગાડી ગાડી નજીક લઈ ગયા હતા. સિંહ કુદરતી કાર્ય કરી રહ્યો હતો, ત્યારે એ કાર્યમાં ખલેલ પહોંચાડી એની પજવણી કરી વીડિયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલાએ વનવિભાગને સૂચના આપી હતી. જેથી ખાંભા તુલસીશ્યામ રેન્જની ટીમે તપાસ કરી બંને ઇસમની ધરપકડ કરી રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંને આરોપીઓના એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.