વનવિભાગ ધારી હેઠળની તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદ નોંધવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર પૂર્વ વનવિભાગ ધારીની તુલસીશ્યામ રેન્જમાં ફરજ બજાવતા કોઠારીયા રાઉન્ડના વનપાલ બી.જી. સોલંકી તેમના નિયત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માછીમારીના ગુનામાં સંડોવાયેલા વડલી ગામના રમજાન જુમાભાઈ સંધી, યાસીદ જુમાભાઈ સંધી તેમજ જુમાભાઈ સંધી અને તેની પત્નીએ અગાઉના ગુનાનો ખાર રાખી બી.જી. સોલંકી પર લાકડી, લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો મૂઢમાર પણ માર્યો હતો. જેથી તેમણે ૧૦૮ મારફત ઉના હોસ્પિટલ પહોંચી સારવાર લીધી હતી.