સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામ ખાતે આ દિવસોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મધ્ય ગીર વિસ્તારમાં આવેલા આ દિવ્ય સ્થળે શ્યામ સુંદર ભગવાન અને રુક્ષ્મણી દેવીના દર્શનાર્થે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી રહ્યા છે. સારા વરસાદ બાદ આસપાસનો વિસ્તાર લીલોછમ બની ગયો છે. વેકેશન તેમજ તહેવારોને કારણે સોમનાથ અને દીવથી પરત ફરતા યાત્રિકો પણ અહીં દર્શન માટે રોકાય છે. ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા એક સાથે ૫૦૦૦ લોકો જમી શકે તેવી મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રિ રોકાણ માટે વિશાળ હોલની વ્યવસ્થા છે. પાર્કિંગમાં ૫૦૦ વાહનો એક સાથે પાર્ક કરી શકાય તેવી સગવડ ઊભી કરાઈ છે. નવા વર્ષને ધ્યાનમાં રાખીને શ્યામ ભગવાનને સોનાના વાઘા પહેરાવવામાં આવશે અને મહા આરતી સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગરમ કુંડનો લાભ પણ યાત્રિકો લઈ રહ્યા છે.