અમરેલી,તા.૬
તુલસીશ્યામ સુધીનો રોડ નવો અને પહોળો બનાવવા માટે તુલસીશ્યામ ટ્રસ્ટે અવાર-નવાર સરકારને રજૂઆત કરી હતી. છેલ્લા ૧૦ વર્ષથી અહીંના રોડ પર થીગડા મારવામાં આવતા હતા. ઉપરાંત જંગલ કટીંગ કરવામાં આવતું ન હતું. અહીં ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડતી હતી. જંગલમાં સાંકડા રોડના કારણે વાહન ઓવરટેક કરવામાં તકલીફ વેઠવી પડતી હતી. પરંતુ ચાલુ વર્ષે વનવિભાગ અને બાંધકામના સહયોગથી આ રસ્તો મંજુર થયો છે. તુલસીશ્યામથી ઉના અને ધોકડવા સુધીનો ૨૦ કિલોમીટરનો રસ્તો અઢી કરોડના ખર્ચે નવો બનશે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ બહાર પડી છે. અહીં રસ્તો તોડી નવો રોડ બનાવવામાં આવશે. લોકોને ઉના, ધોકડવા, તુલસીશ્યામ, સરસીયા, રાજકોટ સહિતના શહેરમાં જવા માટે અનુકુળ રહેશે. અંતે નવો રોડ મંજુર થતા ગીરના નેસડાઓ, તુલસીશ્યામ આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.