અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના પ્રદેશ મહામંત્રી અને ઊનાના જાગૃત યુવા આગેવાન રસિક ચાવડાએ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રૂબરૂ ગાંધીનગર જઈ રજૂઆત કરી છે કે, જસાધાર ચેકપોસ્ટ (તુલશીશ્યામ)માં અગિયારસ અને પૂનમે ગેટ ખોલવાના સમયમાં ફેરફાર કરવામાં આવે. ગીર સોમનાથ જિલ્લામાં પુરાણ પ્રસિધ્ધ ભગવાન શ્યામનું તુલશીશ્યામ નામનું ધાર્મિક સ્થળ આવેલ છે અને ત્યાં ગરમ પાણીનો કુંડ પણ આવેલ છે. ભગવાન શ્યામ આ વિસ્તારના ઘણા લોકોના ઈષ્ટદેવ છે અને આસ્થાનું પ્રતીક છે, અગિયારસ અને પૂનમ ભરવા ભાવિક ભકતો મોટી સંખ્યામાં આવે છે. આ ગેટ સવારે ૬ઃ૦૦ વાગે ખુલે છે અને મંગળા આરતી સવારે ૫ઃ૪૫ એ થાય છે જેથી પૂનમે અને અગિયારસે ભકતો મંગળા આરતીનો લાભ લઈ શકતા નથી. વન વિભાગ દ્વારા એસ.ટી. બસ માટે સવારે ૫ઃ૦૦ વાગે અને ૫ઃ૩૦ વાગે ગેટ ખોલવામાં આવે છે પરંતુ ભકતો માટે બંધ રાખવામાં આવે છે.