(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૨
તુર્કીમાં ભારતીય રાજદૂતના આકસ્મક નિધનથી દિલ્હીમાં ખળભળાટ મચી ગયો છે. ભારતીય વિદેશ મંત્રાલયે તુર્કી દૂતાવાસમાં રાજદૂત વીરેન્દ્ર પૌલના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વીરેન્દ્ર પોલ એક સમર્પિત અધિકારી હતા. તેમને તેમના અસાધારણ માનવીય ગુણો અને પ્રભાવશાળી વ્યાવસાયિક યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. ભારતીય વિદેશ મંત્રાલય આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારની સાથે છે.
રાજદૂતના મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ભારતીય વિદેશ મંત્રાલય સતત તુર્કીના સંપર્કમાં છે. ૧૯૯૧ બેચના આઇએફએસ અધિકારી વીરેન્દ્ર પૌલને જુલાઈ ૨૦૨૨માં તુર્કીમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તુર્કિયેમાં આવેલા ભૂકંપ દરમિયાન તેમણે ત્યાંના લોકોને મદદ કરવા માટે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તુર્કી પહેલા તેઓ કેન્યામાં ભારતના હાઈ કમિશનર પણ રહી ચૂક્યા છે.