રંગ લાગે એને તો એક છાંટો પડે ને તોય આખો મનખાવતાર બદલાઈ જાય અને ન લાગે એને રંગના હોજમાં ડૂબાડો તોય રંગ અડે કે ચડે નહિ. કેટલાક દંપતી એકબીજાના રંગે એવા રંગાઈ ગયા હોય છે કે પછી એને ઉત્તમ હો કે અધમ હો, આ સંસારની કોઈ ઈતર છાલક લાગતી નથી. જુની પેઢીમાં હજારો દંપતી એવા હતા કે એમણે એકબીજા સાથે સમજણથી અને વાતો કર્યા વિનાનો આખો ભવ પૂરો કર્યો. એક જમાનો હતો કે દંપતી વચ્ચે નહિવત્ વાતો થતી ને પ્રેમ લગભગ દૈવી કક્ષાનો હતો. અણગમતા બંધનો અને વ્યર્થ રીતરિવાજો વચ્ચે ય ગુલાબના ફૂલને ખિલવાની જગ્યા હતી. આજે પણ છે. કોઈ પણ ફૂલછોડને કેળવવો પડે, એને પાંગરવા દેવાની ધીરજ અને નિરપેક્ષિત લાગણીઓનો એક પ્રવાહ ઘરની વચ્ચેથી વહેતો રહેવો જોઈએ.
દામ્પત્ય જીવનના સૂત્રો જે પ્રચલિત છે તે હવે સાવ નહિ તોય મહત્ તો અપ્રસ્તુત થઈ ગયા છે. નવદંપતીને કોઈની આદર્શવાદી સલાહની હવે જરૂર રહી નથી. આમ પણ તમે કોઈને સલાહ આપતા હો ત્યારે જરાય શોભાયમાન લાગતા નથી. માણસે સલાહ આપતી વેળાના પોતાના મુખારવિંદનું પ્રતિબિંબ જોતા રહેવાની વ્યવસ્થા રાખવી જોઈએ. એક આખો સલાહયુગ પૂરો થઈ ગયો છે. જે યુગમાં સલાહ આપતા વ્યાખાનો, સલાહ આપતા પુસ્તકો અને સલાહ આપતા વક્તાઓ હતા. વાતો કરો અને આનંદ કરો. અને ઉપદેશ કોઈને લાગે છે? જેને આત્મભાનથી બેઠા થવું છે એ તો કોઈ એક કીડી કે પાંદડાંમાંથીય બોધ પ્રાપ્ત કરી લેશે. આવનારા સમયમાં જેમણે સારી લાયબ્રેરીઓ જાળવવી હશે એમણે એમાં રહેલા સલાહકારી ગ્રંથો દૂર કરવા પડશે. એક નવા ઉછરતા જીવનને એટલે કે તરોતાજા કોઈ કૂંપળને હવે પાનખરના પાંદડાની આત્મકથામાં રસ નથી.
ઘરમાં નવી વહુ આવે એને ઘરની વિવિધ પ્રથા-પરંપરાની જાણ કરી શકાય. એ ભૂલ કરે તો સ્હેજ યાદી આપી શકાય. બસ એનાથી વધારાનું ગૃહપુરાણ ઉખેળવાની જરૂર નથી. આગંતુક નવવધૂને એ તો ખબર જ હોય કે એક નવી જ દુનિયામાં આવે છે. એના પગલાં એક અજાણી ભોમકા પર પડે છે. એનું સુખ એણે જાતે નીપજાવવાનું છે. જે તૈયાર છે એ તો સગવડ છે, સુખ નથી. સગવડને સુખ માની ન લેવાય. સુખ જેને લેતા ને આપતા આવડે એને સગવડના મોટા મહેલ થતા વાર ન લાગે પરંતુ સોનાની સાંકળે આંબાડાળે હિંચકો બાંધેલો હોય અને વહુ-દીકરો એના પર હિંચકતા હોય તોય એ છે તો સગવડ જ. સગવડમાંથી સુખ નીપજે એથી ક્યાંય અધિક સુખના ભંડાર તો સ્વભાવમાંથી નીપજે.
દીકરાના લગ્ન થવાના બાકી હોય ત્યાં સુધી એ માતપિતાના ‘ઘર’ માં રહે છે. પરંતુ એકવાર એ પોતાની ધર્મપત્નીના કંકુપગલા સાથે પિતાના ઘરમાં પ્રવેશે એટલે એ ઘર એ બન્નેનું – નવદંપતીનું થઈ જાય છે. પછી માતાપિતા પોતાના ઘરમાં નહિ, દીકરાના ઘરમાં રહે છે. લગ્નથતાંવેંત દીકરા-વહુને ઘરનો કારભાર અને કાર્યભાર બેય સોંપી દેવાની જે માતપિતાની તૈયારી ન હોય એણે દીકરાની જાન જોડવી જ ન જોઈએ. અથવા તો એવા માતાપિતાએ દીકરાને અને સભંવિત વહુને લગ્ન પૂર્વે એડવાન્સમાં મીઠી ભાષામાં સ્પષ્ટતા કરવી જોઈએ. સ્પષ્ટતાથી કુટુંબક્લેશ ઘટે છે અથવા થતો જ નથી. આખરે એક નવી પેઢી ઘરના ફળિયામાં આકાર લઈ રહી છે. એને સારા હવામાનની અને વડીલોની શુભાકાંક્ષાઓની જરૂર છે. માત્ર આશીર્વચનો કંઈ કામમાં આવતા નથી.
પોતાની દીકરી સાસરે જાય એને એની માતા પિયરમાંથી ફોન કરીને પૂછે કે બેન, તારી સાસુ કંઈ કામકાજ કરે કે બધું તારે જ કરવાનું…..! આ સિક્કાની બીજી બાજુ જ જોવાની હોય છે કે પોતે પોતાના ઘરમાં આવેલી પુત્રવધૂ સાથે કામકાજમાં કઈ રીતે જોડાય છે. હવે કોઈ માતાને સાસુપણુ નિભાવવામાં રસ નથી એ સારી વાત છે પણ સાસુપણાનો યુગ પણ પેલા સલાહયુગ સાથે પૂરો થઈ ગયો છે. નવા જમાનાની કન્યાઓ તો અત્યંત સૌજન્યશીલ છે. એ તો પિતાના ઘરેથી પોતાના ઘરે આવે એના પ્રથમ દિવસથી સસરાને પપ્પા અને સાસુને મમ્મી કહે છે.
કમ સે કમ એના આ સંબોધનની મરજાદ જાળવીનેય પરિવારે નવી વહુ પર સુખનો શીતળ પાલવ-છાંયો રાખવો જોઈએ. કોઈ અજાણી વ્યક્તિ પણ તમને પપ્પા કે મમ્મી કહે તો તમારી જવાબદારી કેટલી બધી વધી જાય છે. આ તો તમારી પુત્રવધૂ છે ! વાત સાવ સામાન્ય છે. પુત્રના લગ્ન થયા પછી આ ઘર દીકરા – વહુનું છે ને એમાં અમે એની સાથે રહીએ છીએ. આટલું સમજાય એનો સંયુક્ત કુટુંબનો વડલો જળવાય છે. એને આઠેય પહોર આનંદ છે.