અમરેલીના રાજસ્થળી ગામે એક પ્રૌઢને તું મારા ખેતરમાંથી ચાલતો નહીં તેમ કહેવામાં આવ્યું હતું. જેથી પ્રૌઢે તું મારા ભાગની ત્રણ વીઘા જમીન આપી દે તેમ કહેતા કોદાળીનો ઘા મારવામાં આવ્યો હતો. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. નાગજીભાઈ સામતભાઈ પરમાર (ઉ.વ.૫૯)એ પ્રવિણભાઈ વાલજીભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની વાડીએ શેઢામાં વાડ સરખી કરતા હતા તે દરમિયાન આરોપીએ કહ્યું કે, તું મારા ખેતરમાંથી ચાલતો નહી. જેથી તેમણે, તું મારા ભાગની ત્રણ વીઘા જમીન આપી દે તેમ કહ્યું હતું. જેથી આરોપીને સારૂ નહી લાગતા ગાળો આપી જાનથી મારી નાખવાના ઇરાદે કોદાળીના ઘા મારી ગંભીર ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ પ્રવિણભાઈ વાલજીભાઈ પરમાર (ઉ.વ.૪૮)એ નાગજીભાઈ સામતભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમના ખેતરમાં પાણી ભરાયેલું હોવાથી નિકાલ કરવા ગયા ત્યારે આરોપીએ પોતાના હાથમાં કુહાડી લઇને આવી કહ્યું કે, તું અહીંયા કેમ આવ્યો છો, તને અહીં આવવાની ના પાડી છે તેમ કહી ગાળો આપી હતી. ઉપરાંત કુહાડી વડે ઘા મારી ઇજા પહોંચાડી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે.ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.