રાજુલા માર્કેટયાર્ડ સર્કલની સામે એક રીક્ષા ડ્રાયવરને તું કેમ ગામમાંથી પેસેન્જર ભરે છે તેમ કહી છરીનો ઘા મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ ઈજા પહોંચાડી હતી. ઘટના અંગે જેરૂભાઈ ભવનભાઈ વરૂ (ઉ.વ.૩૫)એ રાજુલાના અલ્પેશભાઈ અરજણભાઈ સાંખટ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા તેમના કૌટુંબિક મામાના દીકરા સાહેદ વનરાજભાઇ બન્ને જણા રાજુલા માર્કેટયાર્ડ સર્કલની સામે રીક્ષા સ્ટેન્ડે રીક્ષા પાસે ઉભા હતા. તે વખતે આરોપીએ ત્યાં રીક્ષા લઇને આવતા સાહેદ-વનરાજભાઇએ આરોપીને કહેલ કે,‘‘તું કેમ ગામમાંથી પેસેન્જર ભરે છે. અહીં રિક્ષા સ્ટેન્ડે વારામાં રિક્ષા રાખી પેસેન્જર ભરતો હોય તો’’ તેમ કહેતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ તેમને તથા સાહેદ વનરાજભાઇને જેમ ફાવે તેમ ગાળો આપીને છરી વડે તેમને એક ઘા છાતીની જમણી બાજુ મારી તેમજ સાહેદ વનરાજભાઇને જમણા હાથે કોણીના ઉપરના ભાગે એક ઘા મારી બન્નેને ટાંકા જેટલી ઇજા કરી હતી. તેમને તથા સાહેદને શરીરે ઢીકાપાટુ વડે માર મારી મુંઢ ઇજાઓ કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.