(એ.આર.એલ),સેન્ચુરિયન,તા.૧૪
સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે હલચલ મચાવી દીધી છે. ટીમે દક્ષિણ આફ્રિકા સામે ૪ મેચની ટી ૨૦ શ્રેણીની ત્રીજી મેચમાં ૧૧ રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચ બુધવારે (૧૩ નવેમ્બર) સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૨૨૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.તિલક વર્માએ તોફાની સદી ફટકારી હતી. જવાબમાં આફ્રિકાની ટીમ ૭ વિકેટના નુકસાન પર માત્ર ૨૦૮ રન બનાવી શકી અને મેચ હારી ગઈ. આ રીતે ભારતીય ટીમે શ્રેણીમાં ૨-૧થી સરસાઈ મેળવી લીધી છે. હવે છેલ્લી મેચ શુક્રવારે (૧૫ નવેમ્બર) જાહાનિસબર્ગમાં રમાશે. આફ્રિકા માટે જેન્સને સૌથી ઝડપી અડધી સદી ૧૭ બોલમાં ૫૪ રનની ઇનિંગ રમી હતી. જેન્સન ૧૬ બોલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજા આફ્રિકન ક્રિકેટર બની ગયો છે. આફ્રિકા માટે ક્વન્ટન ડી કોકે ૧૫ બોલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. આ અડધી સદી માર્ચ ૨૦૨૩માં સેન્ચુરિયનમાં વેસ્ટ ઈન્ડઝ સામે બની હતી. વર્તમાન મેચમાં હેનરિક ક્લાસને ૨૨ બોલમાં ૪૧ રન બનાવ્યા હતા.
ભારતીય ટીમ માટે તમામ બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહે ૩ અને વરુણ ચક્રવર્તીએ ૨ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે ૧-૧ સફળતા મેળવી હતી.આ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. મેચના બીજા બોલ પર જ ટીમે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. સંજુ સેમસન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. આ પછી અભિષેક શર્મા અને તિલક વર્માએ ટીમની કમાન સંભાળી અને ૫૨ બોલમાં ૧૦૭ રનની મજબૂત ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી.અભિષેકે ૨૪ બોલમાં અડધી સદી ફટકારી હતી. તે બીજા જ બોલ પર ૫૦ રન પર કેશવ મહારાજ દ્વારા બોલ્ડ થયો હતો. આ પછી તિલક વર્માએ ૩૨ બોલમાં અડધી સદી ફટકારી હતી. આ પછી તિલકે તેની આંતરરાષ્ટય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે આ સદી ૫૧ બોલમાં ફટકારી હતી. તિલક ્૨૦ ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. ૨૨ વર્ષીય તિલકે ૫૬ બોલમાં ૧૦૭ રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં ૭ સિક્સ અને ૮ ફોર ફટકારી હતી. પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા રમનદીપ સિંહ ૬ બોલમાં ૧૫ રન બનાવીને રનઆઉટ થયો હતો. જેના કારણે ભારતીય ટીમે ૬ વિકેટે ૨૧૯ રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને એન્ડીલે સિમેલાએ ૨-૨ વિકેટ ઝડપી હતી.