મગફળી

 • ઉનાળુ મગફળી માટે ખેડકાર્ય પૂરું કરી વાવેતર માટે તૈયાર કરાવી.
 • ઉનાળુ મગફળીનું બિયારણ સર્ટિફાઈડવાળું ખરીદી લેવું.
 • ઉનાળુ મગફળી માટે અનુકુળ હોય તેજ બિયારણ ખરીદવું.

ખાતર

 • ખેતી ખર્ચના ઘટાડા માટે શૂન્ય ખેડ અથવા ઓછી ખેડની પદ્ધતિ અપનાવવી જરૂરી છે.
 • ખેતીમાં ઓછી ખર્ચાળ પદ્ધતિઓ જેવી કે ખેતરના સેન્દ્રિય કચરાનો ફેર ઉપયોગ કરવો, લીલો પડવાશ કરવો અને ઓછા ખર્ચવાળા બાયો ઈનપુટ જવા કે જૈવિક ખાતર, અળસિયાનું ખાતર તેમજ સેન્દ્રિય કચરાને કોહવામાં મદદરૂપ બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જેનાથી ૨૫ થી ૫૦ % સુધી ખેતી ખર્ચ ઘટે અને ૧૦ થી ૨૦ % જેટલો ઉત્પાદનમાં વધારો થાય છે.
 • જમીનની સ્વાસ્થ્ય ચકાસણી આધારિત જરૂરી માત્રામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની તંદુરસ્તી જળવાય છે. મોંઘા રાસાયણિક ખાતર તથા તે ઉપરની સરકારી સબસિડીમાં બચત થાય છે.

નિંદામણ

 • ખેડ માટે પાક-નીંદણ હરિફાઇ ગાળાનાં અતિ મહ¥વના સમયમાં (વાવણી પછીનાં ૨૦ થી ૪૫ દિવસ સુધી)
 • પોતાનાં ખેતરને નીંદણ મુક્ત રાખીને પાક ઉત્પાદનમાં ૨૦ % સુધીનો વધારો લઇ શકે છે.
 • રાસાયણિક, યાંત્રિક અને ભૌતિક પધ્ધતિઓનાં સમન્વયવાળી સંકલિત નીંદણ વ્યવસ્થાપન પધ્ધતિ અપનાવવી.
 • ખેતરમાં નીંદણનાં બીજથી મુક્ત સારૂં કોહવાયેલું છાણિયું ખાતર વાપરવું.
 • પરોપજીવી નીંદણોનાં વ્યવસ્થાપન માટે પાકની ફેરબદલી અપનાવવી.
 • વાવણી પહેલા ખેતરમાં પિયત આપી ઉગી નીકળતા નીંદણનો નાશ કરવો.

પુરતા ભાવ મેળવવા

 • ખેડૂતો ધ્વારા કૃષિ ઉત્પાદનનો બગાડ અટકાવવા માટે અદ્યતન પોસ્ટ-હાર્વેસ્ટ હેન્ડલિંગ (યોગ્ય સમય અને પદ્ધતિથી લણણી, યોગ્ય રીતે એકઠા કરવા, સ્વચ્છ પાણીથી ધોઈ સૂકવવાં) પેકેજીંગ, પરિવહન તેમજ સંગ્રહ પદ્ધતિનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે જેથી ૨૦ થી ૪૦ % વધારે ખેતપેદાશ પ્રાપ્ય બને અને આવકમાં વધારો થાય.
 • ખેડૂતોએ પોતાના ખેતરમાં ગ્રેડિંગ અને સામાન્ય પેકિંગ કરવું જોઈએ જે તેમના ઉત્પાદનના આશરે ૨૦% જેટલા ઊંચા ભાવો મેળવવામાં મદદરૂપ થશે.
 • રાષ્ટ્રીય સ્તરે વિવિધ બજારો/એ.પી.એમ.સીમાં જુદા જુદા ભાવોનો લાભ મેળવવા ખેડૂતોએ એ.પી.એમ.સીમાં ઈ-નામ સુવિધા હેઠળ નોંધણી કરાવવી જોઈએ.
 • ખેડૂતોએ ઉત્પાદનોના ઊંચા ભાવ માટે નજીકના ખેડૂત બજારમાં વેચાણ કરવું જોઇએ. આમ કરવાથી મધ્યસ્થીઓના શોષણને પણ નિયંત્રણમા લાવી શકાય છે

જુવાર

 • દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
 • શિયાળુ ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.

બાજરી

 • બાજરી પાકને ફૂલ અવસ્થાએ આવશ્યક પિયત આપવું .
 • બાજરીનાં ડુંડાને દબાવવાથી દાણા છુટા પડે ત્યારે લણવા.

બાગાયત

 • લીબુમાં થડેથી નીકળતા પીલા દૂર કરવા તથા ભલામણ મુજબના ખાતરો આપી દેવા.
 • કેળ પાકમાંથી રોપણીના એક મહિના બાદ ૫૦૦ મિ.લી. ૦.૫% ટ્રાયકોડર્મા અને સ્યુડોમીનાસનું દ્રાવણ રેડવું.
 • દક્ષિણ સૌરાષ્ટ્રનાં ખેત આબોહવાકીય વાતાવરણમાં કેળની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારેમાં વધારે ઉત્પાદન તેમજ આવક મેળવવા માટે “કેળની ગણદેવી સિલેકશન” જાત વાવવાની ભલામણ કરવામાં આવે છે.
 • દાડમની ખેતીમાં ગાંઠયા કૃમિના નિયંત્રણ માટે મધ્ય ગુજરાતનાં દાડમની ખેતી કરતા ખેડૂતોને ગાંઠયા કૃમિના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે યોસીનોમાયસીસ લીલાસીનસ (૨ટ૧૦ બીજાણું/ગ્રામ) ૨૦ કિ.ગ્રા/કે + દિવેલી ખોળ ૨ ટન /હે.ચોમાસાની શરૂઆતમા અને ત્યારબાદ દર ૬ માસના આંતરે થડથી ૧૨ થી ૧૮ ઈંચ દુર તથા આશરે ૯ ઈંચ ઊંડી રીંગ કરીને જમીનમાં મૂળ નજીક આપવાની ભલામણ કરવામાં આવે છે.

આંબામાં મધીયો

 • મધીયોને કારણે પ્રકાશ સંશ્લેષણ ક્રિયાને અવરોધાય છે. આ જીવાતને ભેજ અને છાંયડાવાળું હવામાન વધુ અનુકુળ આવે છે. કુપળ / પુષ્પવિન્યાસ  દીઠ સરેરાશ  પાંચ બચ્ચા અને પુખ્ત આ જીવાતની ક્ષમ્યમાત્રા છે,
 • આંબાના ઝાડ ખુબ જ મોટા અને જુના થઈ ગયા હોય તો આંબાનું નવીનીકરણ કરવું.
 • આંબામાં મોર બેસે ત્યારે આ જીવાતનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત કીટનાશક ૨૦ મિ.લી. (૧ ઈસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસિલીયમ લેકાનીનામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
 • આંબામાં મોરની શરૂઆત થાય અને આ જીવાત તેની ક્ષમ્યમાત્રા વટાવે ત્યારે ડેલ્ટામેથ્રીન ૨.૮ ઈસી ૩ મિ.લી. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઈસી ૨ મિ.લી. અથવા આલ્ફામેથ્રીન ૧૦ ઈસી ૨ મિ.લી. અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. અથવા ફેનોબુકાર્બ ૫૦ ઈસી ૨૦ મિ.લી. અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લી. અથવા નીમાઝોલ ૧૫૦૦ પી.પી.એમ. ૩૦ મિ.લી. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મગ

 • મગની શીંગોની કાપણી વહેલી સવારે કરવી.
 • મગના ભૂકીછારા રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે કાર્બન્ડાઝીમ ૦.૦૨૫ % અથવા હેક્ઝાકોનાઝોલ ૦.૦૦૫ % અથવા દ્રાવ્ય ગંધક ૦.૨ % અથવા સેન્દ્રીય ખેતી માટે લીમડાનાં મીંજનું દ્રાવણ ૫ % મિશ્ર કરી રોગની શરૂઆત થાય કે તુરંત પંદર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

અડદ

 • અડદનાં પાનના ટપકાના રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે રોગની શરૂઆતમાં હેક્ઝાકોનાઝોલ ૦.૦૦ ૫ % (૧૦ લિટર પાણીમાં ૧૦ મિલી) ના ત્રણ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.