તાલાલા પંથકમાં ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી આશરે ૧૨ કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં હરીપુર ગામ નજીકના જંગલ વિસ્તારમાં નોંધાયું હતું. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપ જમીનની સપાટીથી માત્ર ૪.૧ કિલોમીટરની ઓછી ઊંડાઈએ ઉદ્ભવ્યો હતો, જેના કારણે તેની અસર આસપાસના વિસ્તારોમાં સ્પષ્ટ રીતે અનુભવાઈ. કેટલાક સ્થળોએ લોકોએ ધડામ જેવા અવાજ સાથે ધરતી ધ્રુજતી અનુભવવાની માહિતી આપી છે. તાલાલા મામલતદાર કચેરીએ ઘટનાની જાણ જિલ્લા વહીવટીતંત્રને કરી દીધી છે. સદભાગ્યે ભૂકંપની અસર માત્ર ત્રણ સેકન્ડ જેટલી જ રહી હોવાથી કોઈ જાનહાનિ કે માલમત્તાનું નુકસાન નોંધાયું નથી.








































