તાલાલા ગીરમાં સંપૂર્ણ લોકફાળાથી નિર્માણ થયેલ સુવિધાપૂર્ણ અદ્યતન નવનિર્મિત ટાઉન પોલીસ સ્ટેશનનું ગીર પંથકના ધારાસભ્ય અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ લોકાર્પણ કર્યું હતું. લોકફાળાથી બંધાયેલ ટાઉન પોલીસ સ્ટેશન લોકોને અર્પણ કરતા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાલાલા તાલુકા પોલીસ સ્ટેશનની કામગીરી જિલ્લામાં નહીં ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર ત્રણ જિલ્લાની પોલીસ રેન્જમાં સૌથી શ્રેષ્ઠ છે. આ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પિઠીયાએ પ્રવચનો કર્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન આંકોલવાડી આઉટ પોસ્ટ પોલીસ અધિકારી યાસીનભાઈએ કર્યું હતું. આ તકે તાલાલા પી.એસ.આઈ. આકાશસિંહ સિંધવ તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પિઠીયા સહિત વિવિધ ક્ષેત્રના પદાધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે લાલાભાઈ શિંગાળા સહિત વિવિધ દાતાઓનું જિલ્લા પોલીસ વડા તથા ધારાસભ્યએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. તાલાલા શહેરનું મુખ્ય પોલીસ સ્ટેશન તથા નરસિંહ ટેકરી વિસ્તારનું ટાઉન પોલીસ સ્ટેશન બે પોલીસ સ્ટેશન લોકફાળાથી બન્યા છે. તેવી જ રીતે માધુપુર ગીર ગામે પણ લોકફાળો એકત્ર કરી સંપૂર્ણ લોક ભાગીદારીથી પોલીસ સ્ટેશન બંધાવી આપવા ધારાસભ્યએ જાહેરાત કરી હતી.