ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે નવા રૂટ શરૂ કરવામાં આવે છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને ભાવનગર જવા માટે આજે એક નવી એક્સપ્રેસ બસ સેવાનો પ્રારંભ થયો છે. વેરાવળ એસ.ટી. ડેપોથી શરૂ થયેલી આ બસને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ધારાસભ્યએ બસમાં મુસાફર તરીકે બેસીને સુવિધાઓની ચકાસણી કરી હતી અને મુસાફરો સાથે સંવાદ સાધીને એસ.ટી.ની સેવાઓ વિશે માહિતી મેળવી હતી. વેરાવળ એસ.ટી. ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું કે, આ નવો રૂટ શરૂ થવાથી ગીર સોમનાથ જિલ્લાના લોકોને ભાવનગર તરફ જવા માટે વધુ એક સગવડ મળી રહેશે. વેરાવળ-ભાવનગર એક્સપ્રેસ બસ વાયા કોડીનાર, ઉના, રાજુલા, મહુવા અને તળાજાના રૂટ પર દોડશે. બસના સમયપત્રક મુજબ, આ બસ વેરાવળથી બપોરે ૩ઃ૧૫ કલાકે ઉપડીને રાત્રે ૧૦ઃ૦૦ કલાકે ભાવનગર પહોંચશે. તેવી જ રીતે, ભાવનગરથી સવારે ૫ઃ૩૦ કલાકે ઉપડીને બપોરે ૧૨ઃ૧૫ કલાકે વેરાવળ પરત આવશે. આ ઉપરાંત, ભાવનગરથી રાત્રે ૯ઃ૩૦ કલાકે ઉપડીને વહેલી સવારે ૪ઃ૧૫ કલાકે વેરાવળ પહોંચે તેવી નવી ટ્રીપ પણ કાર્યરત કરવામાં આવશે. એસ.ટી. તંત્ર દ્વારા મુસાફરોને આ સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.