દરરોજ સવારે હું ભગવાનને ધૂપ-દીવા કરું. સાથે રોજેરોજનું તારીખિયાનું પાનું પણ ફાડવાનું એ મારો નિત્યક્રમ બની ગયેલો. આજે સવારમાં મારા છ વર્ષના પુત્ર ચિન્ટુએ મને પૂછ્યું, “પપ્પા એ પાનું શેનું છે?”
મેં પાનું ફાડતા જવાબ આપ્યો, “બેટા, એ દિવસ દેખાડતું પાનું છે.”
“તો તમે, એ ફાડી શું કામ નાખો છો?”
” બેટા, જુનો દિવસ પૂરો થઈ ને નવો દિવસ ઉગે એ માટે ફાડી નાખું છું.”
મારા જવાબથી એના મનને સંતોષ થઈ ગયો હશે એટલે એ આગળ કશું બોલ્યા વગર પોતાનું ગૃહકાર્ય કરવા મંડ્યો. હું ધંધે ચાલ્યો ગયો.
છેલ્લા બે-ત્રણ મહિનાથી ધંધો મંદ ચાલતો હતો. ઘર ચલાવવું અઘરું થઈ રહ્યું હતું. દિવસો સાવ કપરા જઈ રહ્યા હતા. એ બાબતે ઘણી વખત રાતે જમી પરવારીને હું ચિન્ટુની મમ્મી જોડે સૂતી વખતે ચર્ચા કરતો. આજે પણ જમીને રાતે હું એ જ બાબતે ચિન્ટુની મમ્મીને કહેતો હતો, “હવે તો આ દિવસો ઝડપથી પુરા થાય તો સારુ! આ દિવસો તો અડીંગો જમાવી બેઠી ગયા છે, પુરા થવાનું નામ જ નથી લેતા.”
ચિન્ટુની મમ્મી મને ધરપત આપતી, “ભગવાન સૌ સારા વાના કરશે, ને આ દિવસોય ઝડપથી પુરા કરશે.”
સવારે જાગીને જોયું તો ચિન્ટુ આજે વહેલો જાગી ગયો હતો. મોટેભાગે તો એ મોડો જ જાગે, પણ આજે એ વહેલો જાગીને હોમવર્ક કરવા બેસી ગયો હતો. નિત્યક્રમ મુજબ નાહીં-ધોઈને મેં ધૂપ-દીવા કર્યા. પછી જેવું હું તારીખિયાનું પાનું ફાડવા આગળ વધ્યો તો સામે તારીખિયાના એકસાથે ઘણાં બધાં ફાટેલ પન્ના પડ્યા હતા. એ જોઈને હું લાલચોળ થઈ ગયો, “આ પન્ના કોણે ફાડ્યા ?”
ચિન્ટુ ધીમેકથી બીતો બીતો બોલ્યો, “પપ્પા મેં ફાડ્યા. તમે કે’તા હતાને, પાનું ફાડો એટલે દિવસ પૂરો થઈ જાય અને રાતે તમે જ મમ્મીને નો’તા કે’તા? કે, આ દિવસો ઝડપથી પુરા નથી થતા. દિવસો ઝડપથી પુરા થઈ જાય એટલે મેં ફાડ્યા.”
એનો જવાબ સાંભળીને મારો ગુસ્સો આંખના પાણીમાં બદલાઈ ગયો ને એ સાથે મેં એને છાતી સરસો જકડી લીધો.