અમરેલી શહેરમાં એક પરિણીતા રસોઇ બનાવતી હતી ત્યારે ચાર લોકોએ આવીને તારો પતિ ક્યાં ગયો છે, તેને જીવતો સળગાવી દેવો છે તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. ઉપરાંત મહિલાને ઢીકાપાટુ માર્યા હતા. આ બનાવ અંગે રોકડીયાપરામાં રહેતી દયાબેન રવિભાઇ શીરોયા(ઉ.વ.૨૫)એ સુશભાઇ મોરવાડીયા, કિશોરભાઇ મોરવાડીયા તથા બે મહિલા મળી કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ત્રણ દિવસ પહેલા સાંજે આઠ વાગ્યાની આસપાસ મહિલા ઘરે રસોઇ બનાવતી હતી ત્યારે આરોપીઓ આવીને જેમફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. ઉપરાંત તારો પતિ ક્યાં ગયો છે તેમ કહી તેના મોટા સાસુને ઢીકાપાટુ મારવા લાગ્યા હતા. જેથી તેણે મારવાની તથા ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈને તેને ઢીકાપાટુ મારવા લાગ્યા હતા અને તારા પતિને જીવતો સળગાવી દેવો છે તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.બી.ભરાડ વધુ તપાસ કરી રહ્યા છે.