અમરેલીના નાના ભંડારીયા ગામે ‘તારા પટેલના પૈસા આજેય આપવા નથી અને કાલેય પણ આપવા નથી’ કહી યુવક પર હુમલો કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે મેહુલભાઇ રવજીભાઇ હિરપરા (ઉ.વ.૨૫) એ મેહુલભાઇ કાળુભાઇ દેવાણી, કાળુભાઇ હરીભાઇ દેવાણી, જયાબેન કાળુભાઇ દેવાણી, શાંતાબેન મેહુલભાઇ દેવાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પૈસાની ઉઘરાણી બાબતે થયેલા ઝઘડામાં એક વ્યક્તિએ તેના ભાઈ સાથે ગયેલા ફરિયાદી પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, મેહુલભાઈ દેવાણીએ તેમને ફોન કરીને કહ્યું હતું કે, ‘તારા પટેલના એગ્રોના રૂ.૧૨,૦૦૦ બાકી છે, તું મારા ઘરે આવીને લઈ જા.’ જ્યારે તેઓ તેમના ભાઈ રોહિતભાઈ સાથે આરોપીના ઘરે ગયા, ત્યારે આરોપીએ કહ્યું કે, ‘તારા પટેલના પૈસા આજેય આપવા નથી અને કાલેય પણ આપવા નથી’ આટલું કહીને આરોપી મેહુલે પોતાની પાસે રાખેલા લોખંડના પાઇપ વડે ફરિયાદીના માથામાં બે ઘા માર્યા, જેના કારણે ફરિયાદીને નવ ટાંકા લેવા પડ્યા. આ ઉપરાંત, એક ઘા ફરિયાદીના ભાઈ રોહિતના માથામાં પણ મારવામાં આવ્યો હતો, જેનાથી તેમને ઈજા થઈ હતી. આરોપીએ તેમને ધમકી આપતા કહ્યું કે, ‘પૈસા ભૂલી જાજે અને શેરીમાં પણ દેખાણા તો બંને ભાઈઓને જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એચ. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.










































