અમરેલી પંથકમાં અંધશ્રદ્ધાના નામે વધુ એક મહિલાની આબરૂ લૂંટાયાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને તારા ઘરમાં મેલું છે તે તમને જીવવા નહીં દે તેવો ડર બતાવી તાંત્રિક વિધિના નામે શરીર સંબંધ બાંધ્યા હતા અને રૂપિયા ૩.૧૩ લાખ પડાવી લીધા હતા. તે બાદ પણ જો શરીર સંબંધ નહીં બાંધે તો તારા દિકરાનો જીવ જતો રહેશે તેવી બીક બતાવી વિવિધ જગ્યાએ શરીર સંબંધ બાંધ્યા હતા. આ અંગે રાજકોટમાં રહેતા મહિલાએ અમરેલીમાં રહેતા મુકેશભાઈ ભેંસાણીયા તથા રાધિકાબેન મુકેશભાઈ ભેંસાણીયા, વિસાવદરમાં રહેતા સુનીલભાઈ રાવળ, દિનેશભાઈ રિબડીયા, અજાણ્યો ભુવો તથા રાજકોટમાં રહેતા ભારતીબેન પ્રકાશભાઈ ગોંડલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓએ એકબીજા સાથે મળી, પોતાનો સમાન ઇરાદો પાર પાડવા, ગુનાહિત કાવતરું રચી, તેમના ઘરમાં મેલું છે તે તેમને જીવવા નહિ દે તેવો ડર, વ્હેમ મનમાં ઉભો કરી, તેમને તથા તેના મમ્મી પપ્પાને વિશ્વાસમા લઇ જુદી જુદી જગ્યાએ જુદા-જુદા સમયે મેલુ દૂર કરવાની તાંત્રિક વિધિના નામે કુલ રૂ.૩,૧૩,૦૦૦/- પડાવી પાડી, ઠગાઇ, વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી હતી. મેલું દૂર કરવા જો શરીર સંબંધ નહિ બાંધે તો તારા દિકરાનો જીવ જતો રહેશે તેવી બીક બતાવી ધમકી આપી, આરોપી મુકેશભાઇએ મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તેમજ અમરેલી, સીમરણ, સાવરકુંડલા જેવી અન્ય જગ્યાએ અન્ય-૬ વ્યક્તિઓ સાથે પણ શરીર સંબંધ બાંધવા માટે મુકેશભાઇ તથા તેની પત્ની રાધિકાબેને તેને મજબૂર કરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. આર.જી.ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.