બાંગ્લાદેશની એક અદાલતે પોલીસને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને અન્ય ૨૩ વિરુદ્ધ નોંધાયેલા હત્યાના કેસનો તપાસ અહેવાલ ૨૮ નવેમ્બર સુધીમાં સુપરત કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો મીરપુરમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન એક કોલેજ સ્ટુડન્ટના મોત સાથે જાડાયેલો છે. આંદોલનના કારણે હસીનાએ પીએમ પદ છોડીને ભારતમાં શરણ લેવી પડી હતી. એક રિપોર્ટ અનુસાર હસીના વિરુદ્ધ ૨૨૫ કેસ નોંધાયેલા છે. બીજી તરફ, બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે ભૂતપૂર્વ આર્મી ચીફ જિયાઉલ અહસાન, ૧૦ ભૂતપૂર્વ પ્રધાનો અને પદભ્રષ્ટ પીએમના બે સલાહકારો સહિત ૨૦ લોકોને ૧૮ નવેમ્બરે સમન્સ પાઠવ્યા છે.
અમેરિકા અને તાઈવાન વચ્ચે બે અબજ ડોલરના હથિયારોના સોદાથી ચીન પરેશાન છે. તેણે તાઈવાન તરફ તેના ફાઈટર પ્લેન અને યુદ્ધ જહાજા મોકલ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે સંરક્ષણ સોદાની નિંદા કરી છે અને અમેરિકાને તાઈવાનને શસ્ત્રની સપ્લાય બંધ કરવા અને તાઈવાન સ્ટ્રેટમાં સ્થિરતાને નબળી પાડે તેવા પગલાં લેવાનું બંધ કરવા જણાવ્યું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે છ ચીની એરક્રાફ્ટ એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનમાં પ્રવેશ્યા. પરિસ્થિતિ પર નજર રાખીને યોગ્ય પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે.
એક વર્ષથી વધુ સમયથી પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના હિંસક સંઘર્ષ વચ્ચે, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ ગાઝામાં પ્રસ્તાવિત બે દિવસીય યુદ્ધવિરામ અને મર્યાદિત બંધક વિનિમયની જાહેરાત કરી છે.