દિવાળી આવી અને ધમાલ કરીને ગઈ. બહુ ઝડપથી સમય વહી રહ્યો છે. કોરોનાને પણ બે વર્ષ થઈ ગયા. તહેવારો આવતા જાય છે. આપણે તેને નવી નવી પદ્ધતિથી ઉજવતા જઈએ છીએ.
ચોમાસાને ધનકાલ કહે છે. જે ઋતુમાં બહોળા સમુદાયને સાગમટે ધનનો યોગ સાંપડતો હોય એવી ઋતુ ચોમાસુ છે. ચોમાસું વર્ષના ‘સેકન્ડ હાફ’માં આવે છે. તહેવારોની સંખ્યા પણ સાલના ઉત્તરભાગમાં વધી જતી હોય છે. જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધી જુદા જુદા તહેવારો બેક-ટુ-બેક આવે છે. શાસ્ત્રોક્ત રીતે પસંદ થયેલી અમાસ, પૂનમ, એકમ, ચોથ જેવી તિથિઓ પર જુદા જુદા પર્વ આવતા હોય છે. આ પર્વ દરમિયાન  સજ્જન પુરુષે કે ઘરના મોભીએ અમુક નિયમો પાળવાના થતા હોય છે. ઉપવાસ એમાંથી એક છે. બ્રહ્મચર્ય પણ એમાંનો જ એક નિયમ છે. દાનદક્ષીણા નિયમ નથી પણ વિશેષ પુણ્ય માટે પર્વ દરમિયાન તેનું મહત્વ રહે છે. તહેવાર એ સામુહિક પ્રસંગ જેવા છે. રાજા કમ ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા તો એ સમસ્ત અયોધ્યાનગરી માટે મહોત્સવ હતો. એ તિથિ જ એટલી યાદગાર બની ગઈ કે દિવાળી વર્ષોવર્ષ ઉજવાતી જ રહી અને ઉજવાતી રહેશે.
તહેવારો દરેક પરિવારને એકમેક સાથે જોડતી નિયમિત કડી બન્યા. ઉત્સવો આર્થિક, સામાજિક, સામુદાયિક, ધાર્મિક ઉન્નતિના કારક અને વાહક બન્યા. શ્રદ્ધા અને સંસ્કારનો સમુચ્ચય તહેવારો દરમિયાન અબાલ-વૃદ્ધ સૌને સ્પર્શે છે. તહેવારો સામાજિક એકતાની ફલશ્રુતિ છે. ખાસ તો સંસ્કૃતિનું સંવર્ધન તહેવારોએ ખૂબ સારી પેઠે કર્યું. ઘણી બધી કલાઓ તહેવારોની ઋણી છે. લોકકલાઓ, ભાતીગળ કલાઓ, સામાજિક કલાઓ તહેવારોને કારણે ઉત્તરોત્તર વિકાસ પામતી રહી. પેઢી દર પેઢી સુધી તહેવારોએ તે પ્રદેશની સુગંધને પાસ ઓન કરવાનું કામ કર્યું. આખા વર્ષ દરમિયાન જો ખુશીની એક પણ ક્ષણ ન આવી હોય તો તહેવારો પરિવારજનોના ચહેરા ઉપર ચમક લાવતા. કારણ કે રાજા હોય કે રંક, તહેવારની ઉજવણી તો થાય જ. ઉજવણીની નિતીરીતિમાં ભાષા અને બોલીની જેમ બાર ગામે ફરક જોવા મળે ખરો. તિથિ પણ આગળ પાછળ ઉજવાતી હોય. છતાં તહેવારો બધાને એક તાંતણે જોડે. તહેવારોની ઉજવણી જિંદગીમાં નવા ઉત્સાહનો સંચાર કરે. તહેવારના દિવસે ઉગતો સૂર્ય થોડો વધુ વહાલો લાગે.
છેલ્લા બેએક વર્ષમાં તહેવારોની ઉજવણીમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. તેનું મુખ્ય કારણ આપણે જાણીએ છીએ. એકવીસમી સદીના એકવીસના વર્ષે ઉત્સવને વધાવવાની શૈલીમાં આટલા ધરખમ ફેરફાર આવશે અને એ પણ આરલી ઝડપથી એ આપણે વિચાર્યું હતું? ક્રિકેટની જુદી જુદી ટુર્નામેન્ટ ધરાર રમાડવાનું ચાલુ છે. આઇપીએલ હોય કે ટી-ટવેન્ટીની વર્લ્ડ કપ ટુર્નામેન્ટ. દુબઈમાં સંક્રમણ ઓછું છે એટલે ત્યાં મેચો રમવામાં આવે છે. ક્રિકેટરોને બાયો-બબલમાં રહેવું પડે છે. એક બબલમાં જેટલા ક્રિકેટરોને એકસાથે રાખ્યા હોય એ બબલમાં બીજા કોઈ પણ માણસને પ્રવેશ ન મળે કે બબલમાંથી કોઈ એક ખેલાડી પણ બહાર નીકળી ન શકે. ખેલાડીને એના પરિવારજન સાથે કે મેનેજર સાથે વાત કરવી હોય તો પણ વીડિયોકોલ કરવાનો. હવે તહેવારોની ઉજવણી બબલનુમા થઈ ગઈ છે. દરેક પરિવાર એક બબલ બની ગયો છે. એ બબલને બીજા બબલ સાથે ભળવું નથી કે બીજા બબલના કોઈ એક સદસ્યને પોતાનામાં ભેળવવો નથી.
વર્કલોડ અને વર્કપ્રેશર દિવસે ને દિવસે વધતું જાય છે. આ દેશે ફાઈવ ડેઝ આ વિક એટલે કે કામ કરવાના માત્ર પાંચ દિવસ હોય તેવી પોલિસી તરફ આગળ વધવું જોઈએ તેને બદલે આ દેશ રવિવારે પણ કામ કરવા તરફ આગળ વધી રહયો છે. દેશના માંડ અડધા લોકોને રવિવાર કે રજા માણવા મળે છે. માટે તહેવારોની અધીરાઈપૂર્વક રાહ જોવાતી હોય છે. તહેવાર એક બહાનું છે, અસલમાં કડવી વાસ્તવિકતાથી મોઢું ફેરવવાની ચાહના છે. કડવી વાસ્તવિકતા એ ઘર અને ઓફીસ છે જ્યાં કામ કેડો મુકતા નથી. માટે પોતાના વર્ક-સ્ટેશનથી દૂર જવાની તાલાવેલી ઉપડે છે. ફરવા જવાની તલપ એટલા માટે નથી કે નવી જગ્યા એક્સપલોર કરવી છે. ફરવા જવાની જીદ એટલે છે કે હવે કામના કકળાટથી દુર ભાગવું છે. આ વર્ષની દિવાળી ઉપર પચ્ચીસ ટકાથી વધુ ભારતીયો પોતાના ઘરમાં નથી રહેવાના એવો અંદાજ છે. આ ટકવારી આવતા વર્ષે વધવાની છે એ નક્કી છે.
દિવાળી ઉપર ગોવા ફૂલ. રાજસ્થાન હાઉસપેકડ. દીવ-દમણમાં જગ્યા ન મળે. દિલ્હી અને મુંબઇમાં લાખો પ્રવાસીઓ ઠલવાય. નજીકના હિલસ્ટેશન કે પીકનીક સ્પોટ પર વણઝારો ગોઠવાઈ જાય. શિમલા રોડ ઉપર વાહનોની કતારને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય. કાશ્મીરના હોલિડે પેકેજ ન મળે. દુબઇ ભારતીય પ્રવાસીઓથી છલકાઈ જતું હોય. આંદામાન નિકોબાર કરતા વધુ ભારતીયો માલદીવ્ઝમાં જોવા મળે. માલદીવ્ઝ તો ભારતનું જ અભિન્ન અંગ બની ગયું હોય એવું લાગે છે. ફુકેત કે જાવા કે બાલિ કે મોરેશિયસમાં દિવાળીના ફટાકડા ફૂટે છે. યુરોપ પણ આમાંથી બાકાત નથી. દિવાળી કરવી તો બહાર કરવી. પછી મહુડીની ધર્મશાળા મળે તો પણ ભલે. સાસણમાં સિંહ જોવા મળે કે ન મળે, રિસોર્ટમાં જ સાલ મુબારક કરીશું. લાખો ઘરના મુખ્ય દરવાજા પાસે દિવાળીએ દીવા મુકાયેલા નહીં હોય. કારણ કે તેઓએ હોટેલની નાનકડી બાલકનીમાં દિવા મૂકીને સંતોષ માનવો પડશે. કેટલાય ઘરોના આંગણા રંગોળી વિના રહે છે. રંગોળી કરનારું કોઈ નથી અને જો છે તો એ રંગોળીના પ્રદર્શનમાં ભાગ લેવા ગયા છે.
તહેવારોની ઇકોનોમિક્સ એક અલગ જ શાખા છે અને તેની ઉપર ઘણો અભ્યાસ કરી શકાય એમ છે. પણ આજે આપણે તહેવારોના માસ-સાયકો-એનાલિસિસ પાસે આવીને ઊભા છીએ. અત્યારે અર્થતંત્ર કરતા સામુહિક ચેતનાને પામવી જરૂરી છે. જેને હવે તહેવારો ઉપર સ્વ સાથે વધુ નિસબત છે. બબલમાં ઉજાણીઓ થઈ રહી છે. પરપોટાના રહેવું વધુ પસંદ આવવા લાગ્યું છે.
તહેવારોનું સ્વરૂપ બદલાયું છે. લોકોની અભિવ્યક્તિ બદલાઈ છે. આ વર્ષની દિવાળી અને દસ વર્ષ પછીની દિવાળીમાં ઘણો ફરક હશે.