નવરાત્રી-દશેરાથી શરૂ થઈને દિવાળીના તહેવારો સુધીની એક માસ લાંબી તહેવારોની સીઝનમાં રીટેલ વેચાણમાં નવો રેકોર્ડ સર્જાયો છે તો બીજી તરફ આ સીઝન દરમિયાન ઓટો ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો પડયો છે. જો કે, આર્થિક ગતિવિધિઓ વધવા સાથે થ્રી વ્હીલરની માંગ વધી છે.
દેશમાં તહેવારોની સીઝન દરમિયાન દરેક ઈન્ડસ્ટ્રી પોતાના વેચાણમાં વધારો થવાની આશા રાખતી હોય છે. મહામારીની પ્રતિકૂળતા બાદ આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન રીટેલ વેચાણે નવો રેકોર્ડ નોંધાવ્યો છે.
જો કે, ઓટો ઈન્ડસ્ટ્રીને તહેવારોની સીઝન ફળી નથી. ચીપની અછતના કારણે વેઈટીંગ પીરીયડની પ્રતિકૂળતા તેમજ છેલ્લા એક વર્ષમાં વાહનોની કિંમતમાં થયેલા વધારાના કારણે લોકો તહેવારો દરમિયાન નવા વાહનોની ખરીદીથી દૂર રહ્યા હતા.
ઉદ્ભવેલ આ પ્રતિકૂળ વલણના કારણે તાજેતરમાં પૂર્ણ થયેલ તહેવારોની સીઝનમાં ઓટો ઈન્ડસ્ટ્રીના વેચાણમાં ગત વર્ષની તુલનાએ ઘટાડો થયો છે. એક માસની આ સીઝનમાં વાહનોના રજીસ્ટ્રેશનમાં પણ ડબલ ડીજીટનો ઘટાડો નોંધાયો છે.
આ સમય દરમિયાન કારનું વેચાણ ૨૨ ટકા, મોપેડનું વેચાણ ૧૪ ટકા, ટ્રેક્ટરનું વેચાણ ૧૩ ટકા અને ટુવ્હીલરનું વેચાણ ૧૧ ટકા ઘટયું છે. જો કે મહામારી બાદ આર્થિક ગતિવિધિઓએ વેગ પકડતા આ સીઝન દરમિયાન ગુડ્‌ઝ કેરીયર તેમજ થ્રી વ્હીલરના વેચાણમાં અનુક્રમે ૧૧ ટકા અને ૪૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.