કારતક વદ બીજે પૂ. મોરારીબાપુનાં પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે તલગાજરડાના ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સંતવાણી વંદના સમારોહમાં સંતવાણીના આદિ સર્જકની વંદનામાં ભક્ત કવિ ગેમલદાસજી – ગેમલજી ગોહિલ (પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ, લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ ૨૦૨૫ માટે મોરારીબાપુના હસ્તે એવોર્ડથી સન્માનિત થયાં હતા. આ પ્રસંગે મોરારીબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. ભજનથી ભૂત ભાગે એટલે ભૂતકાળની ચિંતા જાય, ભવિષ્ય જાગે એટલે ભવિષ્યકાળ ઊજળો થાય અને વર્તમાન રહે આગે એટલે વર્તમાનકાળ પ્રગતિમાં રહે છે. ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે. આ પ્રસંગે યોજાયેલ લોકડાયરાનો પ્રારંભ પરશોતમપુરી બાપુએ કર્યો હતો.










































