આ બધા જ ક્ષેત્રમાં મોટેભાગે સ્ત્રીઓનું જ શોષણ થાય છે. કામ અપવાની લાલચથી,પગારની લાલચથી, મનગમતા પદાર્થોની લાલચથી નારી શક્તિના ચીર લૂંટાઇ રહ્યાં છે.
મહાભારતમાં એક જ દ્રૌપદીના ચીરહરણની કથા છે, જ્યારે આજે ઠેર ઠેર આધુનિક દુઃશાસનો દ્રૌપદીઓના ચીરહરણ કરી રહ્યાં છે. જ્યારે દુઃશાસને દ્રોપદીના ચીર હર્યાં ત્યારે આખી સભા દુઃખથી સ્તબ્ધ અને લાચાર હતી, જ્યારે આજે કહેવાતું આધુનિક વિશ્વ આ ચીરહરણના સમયે તાલીઓ પાડી આનંદની ચીચીયારીઓ પાડી રહ્યું છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે આજે એવી સેંકડો આધુનિક દ્રૌપદીઓ છે, જે પોતાનાં ચીર લૂંટનારા દુઃશાસનોની આતુરતાપૂર્વક રાહ જાઇ રહી છે. આધુનિક જગતની આ વાસ્તવિકતા છે.
આવા વાતાવરણમાં કમસે કમ ધર્મજગત બચે, એ જરૂરી છે. ધર્મજગતની અંદર પણ જ્યાં જ્યાં લક્ષ્મણરેખાઓનો ભંગ થાય છે, ત્યાં શીલ અને સદાચારને ઝાંખપ આવવાની સંભાવના વધી જાય છે. આ કોઇ પ્રાચીન ઋષિમુનિઓની વાત નથી. આજના આધુનિક યુગમાં આવી એક-બે નહિ, હજારો ઘટનાઓ બની રહી છે અને જગજાહેર છે. વિશ્વના કોઇપણ દેશ કે ધર્મ આમાંથી બાકાત નથી. આધુનિક વિશ્વના વિવિધ ધર્મોમાં છાશવારે બનતી ઘટનાઓની યાદી લાંબી છે અને એ વ્યક્તિગત કચરામાં ઊતરવાની જરૂર પણ નથી. સુજ્ઞ ભાઇબહેનો આનાથી અજાણ પણ નથી. જા આધુનિક માણસ પ્રાચીન ઋષિમુનિઓ કરતાં માનસિક દૃષ્ટિએ વધારે ઉન્નત થયો હોત, તો આ લક્ષ્મણરેખાઓમાં પરિવર્તન આવશ્યક હોત. શું આજે કોઇપણ માણસ પોતાની છાતી ઉપર હાથ રાખીને કહી શકે એમ છે ? કે, “આજનો માણસ પૂર્વના મહાપુરુષો કરતા પોતાનાં મન ઉપર વધારે વિજય મેળવીને બેઠો છે !” આ વાતનો જવાબ દરેકનો અંતરાત્મા બહુ સ્પષ્ટતાથી આપી શકે તેમ છે.